એલઓસી પર ચાલતા તણાવ વચ્ચે સીડીએસ જનરલ રાવતની ચીનને ખૂલ્લી ચેતવણી…
અવળચંડા લોકો સાથે લડ્યા વિના ચાલે નહીં,એલએસી સાથે થયેલ ફેરફાર અલગ-અલગ ધારણાઓને કારણે હોય છે, રક્ષા સેવાઓ હંમેશા સૈન્ય કાર્યો માટે તૈયાર રહે છે, અમે વિવાદને શાંતિપૂર્ણ રીતે સમાધાન કરવા માંગીએ છીએ…
ન્યુ દિલ્હી : ભારત-ચીનની વચ્ચે ચાલી રહેલા વિવાદ પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત એ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે લદ્દાખમાં ચીની અતિક્રમણને ઉકેલવા માટે સૈન્ય વિકલ્પો પર પણ વિચાર કરી રહ્યું છે. એક મીડિયા ઇન્ટરવ્યુમાં જનરલ રાવતે કહ્યું કે જો વાતચીત ફેલ થાય છે તો સૈન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જવાબદાર લોકો આ કોશિષની સાથે તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે કે પીએલએ લદ્દાખમાં પહેલાં જેવી સ્થિતિમાં આવી જાય.
જનરલ રાવતે કહ્યું કે સરકાર આ મામલે શાંતિપૂર્ણ રીતે સમાધાન માંગે છે. તેમણે ઇશારો કર્યો કે પૂર્વી લદ્દાખમાં સેનાઓની તૈયારી પૂરી છે. તેમણે કહ્યું કે એલએસી પર અતિક્રમણ જુદી જુદી દ્રષ્ટિએ થાય છે. રક્ષા સેવાઓનું કામ દેખરેખ રાખવાનું અને આવા અતિક્રમણને ઘુસણખોરીમાં ફરી જતા રોકવાનું છે. સરકાર ઇચ્છે છે કે શાંતિપૂર્ણ રીતે મુદ્દો ઉકેલવામાં આવે. જો એલએસી પર અગાઉની સ્થિતિ ફરીથી સ્થાપિત કરવાની કોશિષ સફળ થતી નથી તો સૈન્ય કાર્યવાહી માટે રક્ષા સર્વિસીસ હંમેશા તૈયાર રહે છે.
જનરલ રાવત ત્રણ વર્ષ પહેલાં આર્મી ચીફ હતા ત્યારે ચીને ડોકલામમાં ઘૂસણખોરી કરી હતી. તેમણે ગુપ્તચર એજન્સીઓની વચ્ચે સંકલનના અભાવને નકારી દીધો છે. જનરલ રાવતે કહ્યું કે ભારતની એટલી લાંબી સરહદ છે કે તેના પર સતત દેખરેખ રાખવાની જરૂર પડે છે. તેમણે કહ્યું કે મલ્ટી-એજન્સી સેન્ટરની દરરોજ મીટિંગ થઇ રહી છે. એકબીજાને લદ્દાખ અને અન્ય સ્થળોની માહિતી આપવામાં આવી રહી છે.
અનેક તબક્કાની વાટાઘાટો છતાં પૂર્વી લદ્દાખમાં તણાવ ઓછો થઇ રહ્યો નથી. ભારતીય સેનાનું સ્પષ્ટ વલણ છે કે ચીને એપ્રિલ પહેલાની સ્થિતિને ફરીથી સ્થાપિત કરવી જોઈએ. સૈન્ય સ્તરની વાટાઘાટો ઉપરાંત વિદેશ મંત્રાલય અને બંને દેશોના વર્કિંગ મિકેનિઝમ ફોર કંસલ્ટેશન એન્ડ કો-ઓર્ડિનેશને પણ ચર્ચા કરી છે. બંને પક્ષ કંપલીટ ડિસએંગેજમેન્ટની દિશામાં આગળ વધવા પર વારંવાર સહમત થયા છે પરંતુ જમીન પર અસર થઇ નથી.
આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ કહી ચૂકયા છે કે સેના હાઇ એલર્ટ પર છે. ફોરવર્ડ પોસ્ટ્સ માટે સંખ્યાબંધ શસ્ત્રો, દારૂગોળો અને વિન્ટર ગિયર ખરીદી રહ્યું છે. એલએસીની સાથો સાથ ઊંચાઇવાળા કેટલાંક વિસ્તારોમાં શિયાળાના મહિનાઓમાં તાપમાન માઇનસ ૨૫ સેલ્સિયસ સુધીનું થઇ જાય છે. ૧૫ જૂનના રોજ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ બંને પક્ષોની વચ્ચે તણાવ કેટલાંય ગણો વધી ગયો હતો.