દેશમાં કુલ કેસનો આંકડો ૨૭.૬૭ લાખએ પહોંચ્યો, ૫૨૮૮૯ને પાર મૃત્યુઆંક…
ન્યુ દિલ્હી : દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા થોડા સમયથી કોરોના સંક્રમિતોના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે જ કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે બુધવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૨૭ લાખ ઓળંગી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૬૪૫૩૧ કેસ નોંધાતા કુલ કેસ ૨૭૬૭૨૭૩ થઈ ગયા છે.
જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૦૦૯૧ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૨૦૩૭૮૭૦ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણો વધારે છે.
જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૯૨ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૫૨૮૮૯ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે બુધવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૬૭૬૫૧૪ એક્ટિવ કેસ છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૨૧૨૪૪૬૪ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૭૮૦૬૪૯ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૪૧૦૫૭૦૧ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૭૨૩૮૧૧૪ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.
દેશના મોટાભાગના તમામ રાજ્યોમાં રોજેરોજ કોરોનાના નવા કેસો સામે આવતા રહે છે. જો કે મહારાષ્ટ્રમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે. અહીં મંગળવારે ૪૨૨ લોકો કોરોના કારણે મોતને ભેટ્યા છે. જ્યારે અન્ય રાજ્યોમાં છેલ્લા ૨૪ કલાકમાં મરણના આંકડાની વાત કરીએ તો, આંધ્ર પ્રદેશમાં ૮૮, તમિલનાડુમાં ૧૨૧, કર્ણાટકમાં ૧૩૯, ઉત્તર પ્રદેશમાં ૭૦ અને પશ્ચિમ બંગાળમાં ૫૫ દર્દીઓને જીવલેણ કોરોના વાઈરસ ભરખી ચૂક્યો છે.