છેલ્લા ૨૪ કલાકમાં ૩૬૧૭ના થયા મોત, ૨૦ કરોડથી વધુ વેક્સિન ડોઝ આપનાર યુએસ પછી ભારત બીજો દેશ…
ન્યુ દિલ્હી : ભારત દરરોજ નવા કોવિડ કેસોમાં ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો છે. શનિવારે દેશમાં ૧,૭૩,૭૯૦ તાજા કોવિડ -૧૯ કેસ નોંધાયા છે. છેલ્લા ૪૫ દિવસમાં દરરોજ નોંધાતા કેસોમાં સૌથી ઓછી સંખ્યા છે. આ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨,૭૭,૨૯,૨૪૭ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે અપડેટ કરેલા આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૩૬૧૭ દર્દીઓ મોતને ભેટતા કુલ મૃત્યુઆંક વધીને ૩,૨૨,૫૧૨ પર પહોંચી ગયો છે.
ઉપરાંત એક્ટિવ કેસલોડ ઘટીને ૨૨,૨૮,૭૨૪ પર આવી ગયો છે. દરરોજ નોંધાતા નવા કેસોની સામે સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, અને આ સિલસિલો સતત ૧૬ દિવસથી ચાલી રહ્યો છે. આંકડા પર નજર કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૨,૮૪,૬૦૧ દર્દીઓને સ્વસ્થ થયા છે, જે સૌથી મોટી રાહતની બાબત છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, વીકલી પોઝિટિવિટી રેટ હાલમાં ૯.૮૪ છે, જ્યારે ડેઈલી પોઝિટિવિટી ૮.૩૬ છે, જે સતત ૫ દિવસથી ૧૦ ટકાથી ઓછો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૦,૮૦,૦૪૮ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ ૩૪,૧૧,૧૯,૯૦૯ પરીક્ષણો કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું કે, દેશમાં વ્યાપક રસીકરણ અભિયાન ચાલુ છે અને શનિવાર સુધીમાંકુલ ૨૦.૮૯ કરોડ કોરોના વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે જ ૨૦ કરોડોથી વધુ કોરોના રસીના ડોઝ આપવાની બાબતમાં અમેરિકા બાદ ભારત બીજો દેશ બન્યો છે. દેશમાં ૨૪ કલાકમાં વધુ ૨૯,૭૨,૯૭૧ લોકોએ કોરોના રસીનો ડોઝ લીધો હતો.
૧૧ભારતમાં કોરોનાએ ૭ ઓગસ્ટના રોજ ૨૦ લાખ, ૨૩ ઓગસ્ટના રોજ ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરના રોજ ૪૦ લાખ અને ૧૬ સપ્ટેમ્બરના રોજ ૫૦ લાખનો આંકડો પાર કર્યો હતો. જે ૨૮ સપ્ટેમ્બરના રોજ ૬૦ લાખને વટાવી ગયો હતો. આગળ વધું આંકડા પર નજર કરીએ તો દેશમાં કોરોનાએ ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ક્ટોબરના રોજ ૮૦ લાખ, ૨૦ નવેમ્બરના રોજ ૯૦ લાખ, ૧૯ ડિસેમ્બરના રોજ એક કરોડનો અને ૪ મેના રોજ ૨ કરોડના કેસોનો ભયંકર આંકડો પાર કર્યો હતો.