૧૩ દિવસમાં ૨૪ આતંકી હણાયા…
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પંપોર અને શોપિયાંમાં ગુરુવાર સવારે ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધી ૮ આતંકવાદી ઠાર મરાયા હોવાની સૂચના છે. મળતી માહિતી મુજબ, અવંતીપોરાના મેજ પંપોરમાં એન્કાઉન્ટરના ડરથી આતંકવાદી એક મસ્જિદમાં છુપાઈ ગયા હતા. ઘણા લાંબા સમય સુધી ચાલેલા ફાયરિંગમાં શોપિયાંમાં ૫ જ્યારે પંપોરમાં ૩ આતંકવાદીઓને ઠાર મારવામાં સફળતા મળી છે. વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
મળતી જાણકારી મુજબ, ભારતીય સુરક્ષા દળોને ઇન્ટેલિજન્સ એજન્સીઓ તરફથી જાણકારી મળી હતી કે શોપિયાંના મુનાંદમાં અને પંપોરમાં કેટલાક આતંકવાદી છુપાયા છે અને કોઈ મોટા કાવતરાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે. ઇન્ટેલિજન્સ જાણકારીના આધારે ભારતીય સુરક્ષાદળોએ સ્થાનિક પોલીસ અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમ તૈયાર કરી અને બંને સેક્ટરમાં એક સાથે હુમલો કર્યો. ભારતીય જવાનોએ પહેલા આ વિસ્તારને ઘેરી દીધો, ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું.
અવંતીપોરના મેજ પંપોરમાં પોતાને ઘેરાતાં જોઈને આતંકી નજીકમાં આવેલી મસ્જિદમાં છુપાઈ ગયા હતા. બંને તરફથી થયેલા ફાયરિંગ બાદ ૩ આતંકવાદીને ઢાળી દેવામાં સફળતા મળી. મુનાંદમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, સુરક્ષાદળોએ પહેલા આતંકીઓને આત્મસમર્પણ કરવા માટે કહ્યું હતું પરંતુ આતંકીઓ માન્યા નહીં અને સતત ફાયરિંગ કરી રહ્યા હતા. શુક્રવારની સવારે સ્પેશલ ઓપરેશન ગ્રપના કમાન્ડો મસ્જિદની અંદર ઘૂસી ગયા અને ત્રણેય આતંકીઓને ઠાર માર્યા.
શોપિયામાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું અભિયાન ચાલી રહ્યું છે. છેલ્લા ૧૩ દિવસમાં ૨૪ આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા છે. બીજી તરફ, આ વર્ષે સુરક્ષાદળોએ લગભગ ૧૦૦ આતંકીઓને ઠાર માર્યા છે.