શ્રીનગર : દેશમાં ૧૫મી ઑગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલાં જ આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોને નિશાન બનાવ્યા છે. શુક્રવાર સવારે શ્રીનગરના નૌગામ બાઇપાસ પર પોલીસ પાર્ટી પર હુમલો કરાયો. આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં બે પોલીસકર્મી શહીદ થઇ ગયા છે. આ હુમલો કયા આતંકીઓએ કર્યો અને તે કયા સંગઠનનો હતો તેને લઇ હજુ માહિતી આવવાની બાકી છે.
આપને જણાવી દઇએ કે છેલ્લાં કેટલાંક દિવસમાં આતંકીઓની તરફથી પોલીસ પાર્ટી અને સેનાના કાફલા પર હુમલામાં તેજી આવી છે. હજુ બે દિવસ પહેલાં જ બારામૂલાના સોપોરમાં એક સેનાની ટુકડી પર હુમલો કરાયો હતો જેમાં એક જવાન ઘાયલ થયો હતો.
આતંકીઓની તરફથી સેના-સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની પાર્ટી પર હુમલો કર્યો હતો. આતંકીઓની તરફથી સતત ગોળીબાર કરાયો ત્યારબાદ સુરક્ષાબળોએ પણ જવાબ આપ્યો. આ દરમ્યાન આતંકીઓ ભાગવામાં સફળ થયા હતા.
સુરક્ષાબળોની તરફથી સતત આતંકીઓને શોધી-શોધીને ઠેકાણે કરવામાં આવી રહ્યા છે. પાછલા દિવસોમાં પુલવામાં જિલ્લામાં સફરજનના બગીચામાં છુપાયેલા આતંકીઓની સાથે સુરક્ષાબળોની અથડામણ થઇ હતી. જેમાં આઝાદ અહમ લોન આતંકીને ઠાર કરાયો હતો. જો કે એક જવાન પણ શહીદ થયા હતા.
આતંકીઓની તરફથી સુરક્ષાબળો સિવાય સ્થાનિક લોકો અને નેતાઓને નિશાન પર લેવામાં આવી રહ્યા છે. એક મહિનાની અંદર ભાજપ સાથે જોડાયેલા નેતાઓની હત્યા કરાઇ ત્યારબાદ કેટલાંય નેતાઓએ પાર્ટી છોડી દીધા. જ્યારે હવે ઘાટીના વિસ્તારમાં નેતાઓની સુરક્ષાને પણ વધારાઇ છે.
જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે ૩૦ જૂને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૧૨૮ આંતકીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમાં ૭૦ મુઝાહિદ્દીન, ૨૦-૨૦ લશકર-એ-તોઈબા અને જૈશ-એ-મોહમ્મદના હતા. બાકીના આતંકીઓ અન્ય સંગઠનના હતા. ડીજીપીના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં આતંકીઓના લોન્ચપેડ સક્રિય છે. ત્યાંથી ભારતમાં સતત આંતકીઓ મોકલવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.