ડોડા : જમ્મૂ કાશ્મીરના ડોડામાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ખતમ થઇ ગયું છે. સેનાએ આ ઘર્ષણમાં હિઝબુલના બે આતંકીઓને ઠાર માર્યા છે તથા એક આતંકીની ઓળખ કરી લીધી છે. આ વ્યક્તિ તાહિર અહમદ બટ છે. જ્યારે બીજા આતંકીની ઓળખ કરાઇ રહી છે. એક જવાન શહીદ થઈ ગયો છે.
જમ્મૂ કાશ્મીરના ડોડામાં સેના અને આંતકીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. સેનાએ હિઝબુલ મુઝાહિદ્દીનના ૨ આતંકીઓને ઘેર્યા હતા. આ ઘર્ષણમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. રિપોર્ટ મુજબ સુરક્ષા દળોને વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત સૂચના મળી હતી, જે બાદ ડોડામાં ઘર્ષણ સર્જાયુ હતું. સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંદી કરી અને આતંકવાદીઓના ઠેકાણાઓ સુઘી પહોંચી ગયા. જવાનોને જોઇને આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.
પ્રાપ્ત જાણકારી મુજબ, ઘર્ષણવાળી જગ્યા પર હિઝબુલના ૨ આતંકીઓ છુપાયા હતા. માનવામાં આવી રહ્યું છે કે જે આતંકીઓની સાથે સેનાનું ઘર્ષણ થયું હતું. તેમાંથી એક આતંકી કાશ્મીરનો છે. આતંકવાદીઓ ઘરોની આડમાં છુપાઇને હુમલો કરી રહ્યા હતા. સુરક્ષાદળો તરફથી જવાબી કાર્યવાહી કરાઇ હતી. આ ઓપરેશનને સેનાની ૧૦ આરઆર, સીઆરપીએફ અને ડોડા પોલીસ દ્વારા અંજામ અપાયો હતો.
જમ્મૂ કાશ્મીરમાં આ મહીનાની શરૂઆતમાં હિઝબુલ મુઝાહિદ્દીનના ૨ આતંકવાદીઓની ધરપકડ કરાઇ હતી. ૭ મેએ ડોડા જિલ્લાથી હિઝબુલ મુઝાહિદ્દીનના ૨૨ વર્ષના એક સભ્યની ધરપકડ કરાઇ હતી. તેની પાસેથી એક પિસ્તોલ અને એક વાયરલેસ સેટ જપ્ત કરાયો હતો.
બીજી તરફ પાકિસ્તાને પૂંછમાં એકવાર ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને આજે સવારે ૮ વાગ્યાને ૪૦ મિનિટ પર પૂંછના ડેગર સેક્ટરમાં વિના ઉશ્કેરણીએ નિયંત્રણ રેખા પર ફાયરિંગ કર્યું. ભારતીય સેનાએ તેનો મુંહતોડ જવાબ આપ્યો હતો.