ટિ્વટર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દરમિયાનગીરી કરી રહ્યું છે : ટ્રમ્પ
USA : દુનિયાના સૌથી તાકતવર દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસ સામેની જંગને લઈ સતત ટીકાઓનો સામનો કરી રહ્યા છે. આ વચ્ચે હવે સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઇટ ટિ્વટરે પહેલીવાર ટ્રમ્પને ચેતવણી આપી છે. ટિ્વટરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અમુક ટ્વીટને ફ્લેગ કરતા ફેક્ટ ચેકની વોર્નિંગ આપી છે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્વટરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે.
મીડિયા રિપોર્ટ મુજબ ચેતવણી બાદ ટ્રમ્પે આને બોલવાની સ્વતંત્રતા વિરુદ્ધ ગણાવ્યું. ટ્રમ્પે આને અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દખલગીરી પણ ગણાવી છે. મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પના બે ટ્વીટ્સ પર ટિ્વટરે વોર્નિંગ આપી હતી. મેલ-ઇન બેલટ્સને બોગસ અને ‘મેલ બોક્સ લૂંટી લેવામાં આવશે’કહી ટ્રમ્પે આધિકારિક એકાઉન્ટથી અમુક ટિ્વટ્સ કર્યા હતા. ત્યારે આ ટ્વીટ પર એક લિંક આવી રહી હતી. જેના પર લખ્યું હતું કે મેલ-ઇન બેલટ્સ અંગે તથ્ય જાણો. આ લિંક ટિ્વટર યુઝર્સને મોમેન્ટ્સ પેજ પર ફેક્ટ ચેક માટે લઈ જાય છે. જ્યાં ટ્રમ્પના અપ્રમાણિત દાવાઓ સંબંધિત માહિતી જોવા મળે છે.
આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે સતત બે ટ્વીટ કરી ટિ્વટરના આ વલણ પર નિશાન સાધ્યું. ટ્રમ્પે પહેલા ટ્વીટમાં લખ્યું કે,‘ટિ્વટર હવે ૨૦૨૦ના અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દખલગીરી કરી રહ્યું છે. તેઓ કહી રહ્યા છે કે મેલ-ઇન-બેલટ્સ અંગે મારું નિવેદન ભ્રષ્ટાચાર અને બોગસ વાતોને જન્મ આપશે. આ ખોટું છે. આ ફેક ન્યૂઝ સીએનએન અને એમેઝોન વોશિંગ્ટન પોસ્ટની ફેક્ટ ચેંકિંગ પર આધારિત છે.’જ્યારે અન્ય એક ટ્વીટમાં ટ્રમ્પે લખ્યું કે,‘ટિ્વટર સંપૂર્ણ રીતે બોલવાની આઝાદી પર હુમલો કરી રહ્યું છે. એક રાષ્ટ્રપતિ તરીકે હું એવું નહીં થવા દઉ.’
- Nilesh Patel