ન્યુ દિલ્હી : માઈક્રો બ્લોગિંગ સાઈટ ટિ્વટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સિદ્ધિ હાંસેલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટિ્વટર એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા ૬૦ મિલિયન એટલે કે ૬ કરોડ થઈ ગઈ છે. હાલ વડાપ્રધાન મોદીને ટિ્વટર એકાઉન્ટને ૬ કરોડ લોકો ફોલો કરે છે જ્યારે વડાપ્રધાન મોદી ૨,૩૫૫ લોકોને ફોલો કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટિ્વટર પર જ નહીં પરંતુ દુનિયાભરના એવા નેતાઓમાં સામેલ છે જેમને સૌથી વધારે ફોલો કરવામાં આવે છે. વડાપ્રધાન મોદી ટિ્વટર પર સૌથી પહેલા એકાઉન્ટ બનાવનારા નેતાઓમાંથી એક છે. તેમણે ૨૦૦૯માં ટિ્વટર પર એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યારે જ કોંગ્રેસના નેતા શશિ થરૂર પણ ટિ્વટર પર આવ્યા હતા. જો કે ફોલોઅર્સ મામલે નરેન્દ્ર મોદીએ શરૂ થરૂરને ઘણાં પાછળ છોડી દીધા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ટિ્વટર પર ૨ કરોડ ૧૬ લાખ ફોલોઅર્સ છે. ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મે ૨૦૧૩માં ટિ્વટર સાથે જોડાયા હતા. એપ્રિલ ૨૦૧૩માં ટિ્વટર પર સક્રિય થયેલા રક્ષામંત્રી રાજનાથસિંહના ૧ કરોડ ૭૮ લાખ ફોલોઅર્સ છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટિ્વટર પર ૧ કરોડ ૫૨ લાખ ફોલોઅર્સ છે. તેઓ એપ્રિલ ૨૦૧૫માં આ પ્લેટફોર્મ પર સક્રિય થયા હતા. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના ટિ્વટર ફોલોઅર્સની સંખ્યા એક કરોડથી ઓછી છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ૧૨.૯ કરોડ ફોલોઅર્સ છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં તે સંખ્યા ૧૦.૮ કરોડ હતી. ટિ્વટર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફોલોઅર્સની સંખ્યા ૮.૩૭ કરોડ સુધી પહોંચી છે.