મેક ઈન ઈન્ડિયા સાથે મેક ફોર વર્લ્ડ”નું સૂત્ર સાકાર કરો,દેશ સામ પડકારો હશે પણ ૧૩૦ કરોડ દેશવાસીઓજ તેના ઉપાય છે, આત્મનિર્ભર ભારત’ ફક્ત એક શબ્દ નથી, સંકલ્પ બની ગયો છે, સ્વતંત્ર ભારતની માનસિકતા વોકલ ફોર લોકલ હોવી જોઈએ…
– લાલ કિલ્લાથી પીએમનો હુંકાર,’જેમણે પણ આંખ ઉઠાવી, સૈનિકોએ તેમને વળતો જવાબ આપ્યો’
– સ્વતંત્રતા દિવસ પર પીએમએ કરી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની શરૂઆત
– મોદીએ રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજનાની કરી જાહેરાત
– ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ૧૦૦ લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે
– ૧૦૦૦ દિવસમાં દરેક ગામને ઓપ્ટિકલ ફાઇબરથી જોડવામાં આવશે
ન્યુ દિલ્હી : કોરોના મહામારીના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાતમી વખત લાલ કિલ્લા પરથી ૭૪માં સ્વતંત્રતા દિવસ પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. જે બાદ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રના નામે સંબોધન કર્યું હતું. જેમાં તેમણે નવી શિક્ષણ નીતિ, કોરોના, દેશનો વિકાસ, પાડોશી દેશો સાથે ભારતના સબંધો, આત્મનિર્ભર ભારત વગેરે મુદ્દે દેશને વાકેફ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૪માં સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી ભાષણ દરમિયાન ૧૦ મોટી જાહેરાતો કરી હતી. તેમણે તાત્કાલિક અસરથી દરેક ભારતીયને આરોગ્ય કાર્ડ પૂરા પાડતી રાષ્ટ્રીય ડિજિટલ હેલ્થ મિશન જેવી મોટી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ દેશમાં નવી સાયબર સિક્યુરિટી પોલિસી લાવવા વિશે પણ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ બહુ રાહ જોવાતી કોરોના રસી અંગે ચર્ચા કરતા કહ્યું કે એક નહીં ત્રણ-ત્રણ રસીઓ પર કામ ચાલી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કોરોના મહામારી વચ્ચે ૧૩૦ કરોડ દેશવાસીઓએ આત્મનિર્ભર બનવાનો સંકલ્પ લીધો છે. આત્મનિર્ભર ભારત દેશવાસીઓના મન-મસ્તિકમાં છવાઇ ગયું છે. આ આજે એક શબ્દ નથી, પરંતુ ૧૩૦ કરોડ દેશવાસીઓ માટે મંત્ર બની ગયો છે. આજે દુનિયા ઇંટર-કનેક્ટ છે. એટલે માટે માંગ છે કે વિશ્વની અર્થવ્યવસ્થામાં ભારતનું યોગદાન વધારવું જોઇએ. આ માટે ભારતને આત્મનિર્ભર બનવું જ જોઇએ. જ્યારે આપણું પોતાનું સામર્થ્ય હશે તો આપણે દુનિયાનું કલ્યાણ કરી શકીશું. આપણે આત્મનિર્ભર ભારત બનવાનો પ્રયત્ન કર્યો છે.
નેશનલ ડિજિટલ હેલ્થ મિશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન સાથે પ્રથમ મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે, આજથી દેશમાં બીજુ મોટું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. આ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન છે. જેમાં દરેક ભારતીયને આરોગ્ય કાર્ડ મળશે. તમારા દરેક ટેસ્ટ, દરેક રોગ, કયા ડોકટરે તમને કઈ દવા આપી, ક્યારે આપી, તમારા રિપોર્ટ, આ બધી માહિતી આ એક હેલ્થ કાર્ડમાં સમાવવામાં આવશે. આ યોજના ભારતના આરોગ્ય ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે.
નવી સાયબર સિક્યુરિટી પોલિસી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં નવી રાષ્ટ્રીય સાયબર સુરક્ષા વ્યૂહરચના બનાવવામાં આવી છે. ભારત આ સંદર્ભમાં સજાગ છે, સાવધ છે અને આવા જોખમનો સામનો કરવા નિર્ણયો લઈ રહ્યું છે અને સતત નવી સિસ્ટમો વિકસાવી રહ્યું છે. આગામી સમયમાં નવી સાયબર સિક્યુરિટી પોલિસી લાવવામાં આવશે.
કોરોના વેક્સીન
વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી ભાષણ દરમિયાન દેશને કહ્યું કે આજે કોરાના વાયરસની ત્રણ રસી પરીક્ષણના તબક્કે છે. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકો પાસેથી ગ્રીન સિગ્નલ મળતાંની સાથે જ દેશમાં તે રસીઓના મોટાપાયે ઉત્પાદન માટેની પણ તૈયારી ચાલી રહી છે.
પીએમે કોરોના વોરિયર્સના વખાણ કરતા જણાવ્યું હતું કે આ અસાધારણ સમયમાં સેવા પરમો ધર્મની ભાવના સાથે પોતાના જીવનની પરવાહ કર્યા વિના ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સના ડ્રાઈવર, સફાઈ કર્મચારી, પોલીસકર્મી, સેવાકર્મી, અનેક લોકો ચોવીસે કલાક કામ કરી રહ્યા છે. પીએમે કહ્યું હતું કે જ્યારે કોરોના શરુ થયો ત્યારે દેશમાં ટેસ્ટિંગની માત્ર એક લેબ હતી. આજે દેશમાં ૧૪૦૦થી વધુ લેબ છે, અને રોજના સાત લાખ સુધીના ટેસ્ટિંગ થઈ રહ્યા છે. શરુઆતમાં રોજના માત્ર ૩૦૦ જેટલા જ ટેસ્ટિંગ થતા હતા.
NCCના વિસ્તરણની જાહેરાત
વડાપ્રધાન મોદીએ નેશનલ કૈડેડ કોર (NCC)ના વિસ્તરણની જાહેરાત કરી હતી. તેમણે દેશને કહ્યું કે હવે એનસીસીના વિસ્તરણને દેશના ૧૭૩ સરહદો અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં સુનિશ્ચિત કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત લગભગ ૧ લાખ નવા એનસીસી કેડેટ્સને વિશેષ તાલીમ આપવામાં આવશે. આમાં પણ લગભગ ત્રીજા ભાગની દીકરીઓને આ વિશેષ તાલીમ આપવામાં આવશે.
લક્ષદ્વીપમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આગામી ૧૦૦૦ દિવસમાં લક્ષદ્વીપ સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલથી પણ જોડાઈ જશે. તેમણે કહ્યું કે આપણા દેશમાં ૧૩૦૦થી વધુ ટાપુઓ છે. દેશના વિકાસમાં તેમના ભૌગોલિક સ્થાન, તેમના મહત્વને ધ્યાનમાં રાખીને આમાંથી કેટલાક પસંદ કરેલા ટાપુઓ પર વિકાસની નવી યોજનાઓ શરૂ કરવાનું કામ ચાલી રહ્યું છે.
દરેક ગામમાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરનેટ સુવિધા આપવા માટે દેશના દરેક ગામોને ઓપ્ટિકલ ફાઇબરથી જોડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ લક્ષ્ય આગામી હજાર દિવસમાં પૂરા થશે. ૨૦૧૪પહેલાં દેશમાં ફક્ત ૫ ડઝન પંચાયતો ઓપ્ટિકલ ફાઇબરથી જોડાયેલી હતી. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ૧.૫ લાખ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબરથી જોડવામાં આવી છે.
પ્રોજેક્ટ લાયન અને ડોલ્ફિન
વડાપ્રધાન મોદીએ પ્રોજેક્ટ લાયન અને ડોલ્ફિનની ઘોષણા કરી. તેમણે કહ્યું કે ભારત તેની જૈવવિવિધતાના રક્ષણ અને સંવર્ધન માટે સંપૂર્ણ સંવેદનશીલ છે. ભૂતકાળમાં દેશમાં સિંહ અને વાઘની વસ્તી ઝડપથી વધી રહી છે. હવે દેશમાં આપણા એશિયન સિંહો માટે એક પ્રોજેક્ટ પણ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ તેમણે ડોલ્ફિન્સના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ચલાવવા પર ભાર મૂક્યો છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ૧૦૦ લાખ કરોડનો ખર્ચ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સમગ્ર દેશને મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવા માટે ખૂબ મોટી યોજના તૈયાર કરવામાં આવી છે. જેના માટે દેશઆ ૧૦૦ લાખ કરોડ રૂપિયાથી વધુના ખર્ચ તરફ આગળ વધી રહ્યો છે. જુદા જુદા ક્ષેત્રના લગભગ ૭ હજાર પ્રોજેક્ટ્સની પણ ઓળખ કરવામાં આવી છે. જે એક રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવી ક્રાંતિ જેવું હશે.
નેબરહુડ પોલિસીના વિસ્તરણ પર ભાર મૂક્યો
વડાપ્રધાન મોદીએ પાડોશીઓ સાથેના સંબંધોને મજબૂત અને વિસ્તૃત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે અમારા પાડોશી દેશો સાથે ભલે તેઓ જમીનથી અથવા સમુદ્રથી અમારી સાથે જોડાયેલા હોય, અમે અમારા સંબંધોને સુરક્ષા, વિકાસ અને ટ્રસ્ટ શેરિંગ સાથે જોડી રહ્યા છીએ. આજે પાડોશીઓ ફક્ત તે જ નથી જેની સાથે અમારી ભૌગોલિક સીમાઓ મળે છે, પરંતુ તેઓ પણ છે જેમની સાથે હૃદય મળતા હોય છે.
પ્રદૂષણ સામે અભિયાન
વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે શહેરોમાંથી પ્રદૂષણ દૂર કરવાની યોજના અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે દેશના ૧૦૦ પસંદ કરેલા શહેરોમાં પ્રદૂષણ ઘટાડવા માટે સર્વગ્રાહી અભિગમ સાથે વિશેષ અભિયાન પર પણ કામ ચાલી રહ્યું છે.