એક દિવસમાં મસ્કની સંપત્તિમાં ૫૦ હજાર કરોડથી વધુનો વધારો થયો…
USA : સ્પેસ એક્સ અને ટેલ્સાના પ્રમુખ એલન મસ્ક હવે દુનિયાના ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. તેમની કુલ સંપત્તિ વધીને ૧૧૦ અબજ ડોલર થઈ ગઈ છે. પાછલા કેટલાક સમયથી મસ્ક સતત કોઈને કોઈ કારણે ચર્ચામાં રહ્યા છે. પહેલા તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. હાલમાં તેમની રોકેટ કંપનીએ ચાર એસ્ટ્રોનોટ્સને અંતરિક્ષમાં મોકલ્યા છે. આ સિવાય ઇલેક્ટ્રિક કાર કંપની ટેલ્સાને એસ એન્ટી પી ૫૦૦ કંપનીની લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.
બ્લૂમબર્ગ બિલિનેયર ઇન્ડેક્સ લિસ્ટમાં ૧૮૫ અબજ ડોલરની સાથે જેફ બેજોસ પ્રથમ નંબર પર, ૧૨૯ અબજ ડોલરની સાથે બિલ ગેટ્સ બીજા નંબર પર, ૧૧૦ અબજ ડોલરની સાથે એલન મસ્ક ત્રીજા નંબર પર, ૧૦૪ અબજ ડોલરની સંપત્તિની સાથે માર્ક ઝુકરબર્ગ ચોથા નંબર પર અને ૧૦૨ અબજ ડોલકની સંપત્તિની સાથે બેર્નાર્ડ અર્નાલ્ટ પાંચમાં નંબર પર છે.
ટેલ્સાને લઈને આવેલા સમાચાર બાદ એક દિવસમાં એલન મસ્કની સંપત્તિમાં ૭.૬૧ અબજ ડોલર (૫૦ હજાર કરોડથી વધુ) ડોલરનો વધારો થયો છે. વાર્ષિક આધાર પર તેમની સંપત્તિમાં અત્યાર સુધી ૮૨ અબજ ડોલરનો વધારો થયો છે. ટોપ-૫૦૦ બિલિનેયરમાં મસ્કની સંપત્તિમાં આ વર્ષે સૌથી વધુ વધારો થયો છે. વાર્ષિક સંપત્તિમાં તેજીના મામલામાં તેઓ નંબર વન છે. બીજા નંબર પર જેફ બેજોસ છે. તેમની વાર્ષિક સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધી આશરે ૭૦ અબજ ડોલરનો વધારો થયો છે.
- Nilesh Patel