બેઇજિંગ/વૉશિંગ્ટન : ગત વર્ષે અમેરિકામાં ચીનનું સીધુ રોકાણ ૨૦૦૯ની આર્થિક મંદી બાદ સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. નોંધપાત્ર બાબત એ છે કે, કોરોના વાયરસ રોગચાળાને કારણે વૈશ્વિક વેપાર બંધ થતાં પહેલા આ ઘટાડો થયો હતો.
વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે તણાવ અને ચીન સરકારનું વિદેશમાં રોકાણ પર લગાવાયેલા પ્રતિબંધના કારણે અમેરિકામાં બેઇજિંગનું રોકાણ ઘટ્યું છે.
અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો પર રાષ્ટ્રીય સમિતિ અને રોડિયમ ગ્રુપ કન્સલ્ટન્સીના સોમવારે આવેલા અહેવાલમાં જાણવા મળ્યું છે કે, અમેરિકામાં ચીનનું સીધું રોકાણ ૨૦૧૮માં થયેલા ૫.૪ અબજ અમેરિકી ડોલરથી ઘટી ૨૦૧૯માં પાંચ અબજ ડોલર થયું છે, જે ૨૦૦૯ની મંદી બાદ ઘણું ઘટ્યું છે.
સીધા રોકાણમાં મર્જર, એક્વિઝિશન અને ઓફિસો અથવા ફેક્ટરીઓમાં રોકાણનો સમાવેશ થાય છે, પરંતુ શેર અથવા બોન્ડની ખરીદી જેવા નાણાકીય રોકાણોનો સમાવેશ કરાતો નથી.