અટકળો વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી…
મુંબઈ : દેશમાં અત્યારે કોરોના વાઈરસ મહામારીનું સંકટ છે અને દેશમાં સૌથી વધુ કેસો મુંબઇ-મહારાષ્ટ્રમાં બહાર આવી રહ્યાં છે તય્રે હવે તે મુદ્દે તે રાજકીય ખેંચતાણ શરૂ થઇ છે.. આ દરમિયાન જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓએ હાલની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં કોરોના સંકટ અને ભાજપ તરફથી સતત થતાં વિરોધ વિશે પણ વાત કરવામાં આવી હતી. શિવસેના નેતા સંજય રાઉતે ટિ્વટર પર આ મુલાકાત વિશે માહિતી આપી હતી.આ મહાસંકટ વચ્ચે હવે ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આજે સાંજે ૪ વાગે ફડણવીસ મીડિયા સાથે વાત કરવાના છે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા નારાયણ રાણેએ પણ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. તેમણે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગણી કરી હતી. છેલ્લા કેટલાક દિવસથી શિવસેના અને રાજ્યપાલ વચ્ચે વધતી ખેંચતાણના ઘણાં કિસ્સા સામે આવ્યા છે. પછી ભલે તે ઉદ્ધવનો મનોનયનનો કિસ્સો હોય અથવા મુંબઈ યુનિવર્સિટીમાં એક્ઝામ કરાવવાની વાત હોય. હવે અનિયંત્રિત થતાં કોરોના વચ્ચે એવી પણ રાજકીય અટકળો વહેતી થઇ છે કે કેન્દ્ર સરકાર અહીં રાષ્ટ્રપતિ શાસન લગાવીને રાજ્યને નિયંત્રણમાં લઈ શકે છે.
શ્રમિક ટ્રેનો વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે થયેલી ખેંચતાણ પછી શિવસેના તરફથી ભાજપ તરફ આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. શિવસેના સાંસદ સંજય રાઉતે ફરી એક વાર ભાજપ પર હુમલો કર્યો હતો. મંગળવારે તેમણે ટિ્વટ કરીને લખ્યું કે, મહારાષ્ટ્ર સરકાર સંપૂર્ણ રીતે મજબૂત છે અને તે વિશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
સંજય રાઉતે મંગળવારે સવારે ટિ્વટ કરીને લખ્યું કે, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ કાલે માતોશ્રીમાં મુલાકાત કરી હતી. બંને નેતાઓએ એક કલાક કરતાં વધારે સમય સુધી ચર્ચા કરી હતી. જો કોઈ એવી વાત ફેલાવતું હોય કે, મહારાષ્ટ્ર સરકાર સંકટમાં છે તો તેમના પેટમાં દુખાવો છે. અમારી સરકાર મજબૂત છે અને ચિંતાની કોઈ વાત નથી.
પવારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ પણ પવાર સાથે હતા. અંદાજે ૨૦ મિનિટની મુલાકાત પછી પ્રફુલ્લ પટેલે બહાર નીકળીને કહ્યું હતું કે, રાજ્યપાલે બોલાવ્યા હતા તેથી અમે તેમને મળવા આવ્યા હતા. પરંતુ અમારી વચ્ચે કોઈ રાજકીય ચર્ચા થઇ નથી.