ખેડા : ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પુનમનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ દિવસે ભક્તો રણછોડજી મંદિરમાં દર્શાનાર્થે આવે છે. પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. કોરોના મહામારીમાં વકરતા કેસના કારણે ડાકોરના મેળાને મોટું ગ્રહણ લાગ્યું છે. ડાકોરમાં ફાગણી પુનમનો મેળો આ વર્ષે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
૨૮ માર્ચે ડાકોરમાં પુનમનો મેળો યોજવાનો હતો, પરંતુ ડાકોરનો મેળો બંધ રાખવા જિલ્લા કલેક્ટરે મોટો આદેશ કર્યો છે. એટલું જ નહીં, કલેક્ટરે પદયાત્રિકોને ડાકોર નહીં આવવા માટે નિર્દેશ કર્યો છે. ફાગણી મેળાની સાથે ૨૭, ૨૮, ૨૯ માર્ચ એમ ત્રણ દિવસ પણ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે યાત્રાધામ ડાકોરનો આગામી ફાગણી પૂનમનો મેળો બંધ રાખવા જિલ્લા કલેકટરનો નિર્દેશ જાહેર થતાં ભક્તોમાં નિરાશા વ્યાપી ગઈ છે. આગામી ૨૮ માર્ચના રોજ ફાગણી પુનમ છે, ત્યારે ૨૭, ૨૮, ૨૯ એમ ત્રણ દિવસ પણ ડાકોર મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાંથી આવતા પદયાત્રિકોને ડાકોર નહીં આવવા માટે જિલ્લા કલેકટરે નિર્દેશ પણ આપી દીધા છે.