મુંબઈ : કોરોના વાયરસનો કેર આખી દુનિયા પર વરસી રહ્યો છે પરંતુ ભારતમાં તો તેનો પ્રકોપ ભયંકર હદે જોવા મળી રહ્યો છે જેનાથી મનોરંજન જગત પણ બાકાત નથી. બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ હસ્તીઓ સતત સંક્રમિત થઈ રહી છે. ડાન્સ દિવાને ૩નો હોસ્ટ રાઘવ જુયાલ કોરોના સંક્રમિત થયો છે. જ્યારે બિગ બોસ ફેમ અર્શી ખાન પણ કોરોના સંક્રમિત થઈ છે. આ બંનેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની જાણકારી આપી. આ બાજુ અગાઉ એવા અહેવાલ હતા કે ખતરો કે ખેલાડીની વિજેતા રહી ચૂકેલા શાંતનુ મહેશ્વરી પણ કોરોના સંક્રમિત થઈ છે.
રાઘવ જુયાલ અને અર્શી ખાન બંને હાલ હોમ આઈસોલેશનમાં છે. અર્શીએ જણાવ્યું કે તેને માઈલ્ડ લક્ષણો છે અને આ સાથે જ તેણે તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. અર્શીએ જણાવ્યું કે તેને મુસાફરી દરમિયાન એરપોર્ટ પર થયેલી તપાસમાં આ રિપોર્ટ મળ્યો છે.
રાઘવ જુયાલે એક પોસ્ટ શેર કરીને સંક્રમણની જાણકારી આપી છે. આ અગાઉ ડાન્સ દિવાને ૩ શોના એક જજ ધર્મેશ, અને ૧૮ ક્રુ મેમ્બર્સ પણ કોરોના સંક્રમિ થયા હતા. ધર્મેશના કોરોના સંક્રમિત થયા બાદ પુનિત પાઠકે તેની જગ્યા લીધી હતી. આ ઉપરાંત આ શો માધુરી દિક્ષીત અને તુષાર કાલિયા જજ કરી રહ્યા છે.
અર્શી ખાન મુંબઈમાં એકલી રહે છે. તેનો પરિવાર ભોપાલમાં રહે છે. આવામાં તેણે એકલા હાથે બધુ મેનેજ કરવું પડે છે. ટીઓઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં અર્શીએ કહ્યું કે તેના ઘરવાળા ખુબ પરેશાન છે. ખાસ કરીને તેની માતા તેને વારંવાર ભોપાલ બોલાવી રહી છે. પરંતુ હાલત જોતા તે મુંબઈમાં જ છે. સાજા થવાની રાહ જોઈ રહી છે.
આ અગાઉ પણ અનેક બોલીવુડ અને ટીવી હસ્તીઓ કોરોના સંક્રમિત થઈ. અનેક રિકવર પણ થઈ ગયા અને કેટલાક હજુ પણ હોમ ક્વોરન્ટિનમાં છે અને રિકવર થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાને ધ્યાનમાં રાખીને લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જેના કારણે ટીવી અને ફિલ્મોનું શુટિંગ પણ અટકી ગયું છે. આવામાં બધુ કામકાજ ઠપ્પ થઈ ગયું છે.