Charotar Sandesh
ગુજરાત

ડુંગળીનો રિટેલમાં ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.૧૦૦-૧૨૫ પહોંચે તેવી શક્યતા…

ભારે વરસાદને કારણે પાક ૭૫% ધોવાઈ જતાં ભાવ ઊછળ્યા…

ગુજરાતમાં ૮ લાખ ટનના ઉત્પાદન સામે માત્ર ૩ લાખ ટનનો અંદાજ…

ગાંધીનગર : દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં અતિભારે વરસાદને કારણે ખરીફ પાકોને મોટે પાયે નુકસાન થયું છે. ડુંગળીઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં ૭૦-૭૫ ટકા પાક ધોવાઇ ગયો છે, જેને કારણે ડુંગળીની કિંમતો વધીને રિટેલમાં પ્રતિ કિલોગ્રામ ૭૫-૮૦ થઇ જતાં સરકારે એકાએક સ્ટોક લિમિટ લાગુ કરી દીધી છે, જેમાં જથ્થાબંધ વેપારીઓ માટે ૨૫ ટન અને રિટેલર્સ ૨ ટનનો સ્ટોક રાખી શકશે. તાજેતરમાં સરકારે કૃષિ બિલ રજૂ કર્યું, એમાં બટાકા અને ડુંગળી પરથી સ્ટોક લિમિટ દૂર કરી હતી, પરંતુ ભાવ રોકેટગતિએ વધતાં એકાએક સ્ટોક લિમિટ લાગુ કરી દેવાઇ છે. કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલયે જણાવ્યું હતું કે
વધુપડતો સંગ્રહ કરનારા સ્ટોકિસ્ટો પર આકરાં પગલાં લેવાશે. સ્ટોક લિમિટનો અમલ ૩૧ ડિસેમ્બર સુધી રહેશે. દેશમાં ખરીફ ડુંગળીનો પાક સરેરાશ ૪૫-૫૦ લાખ ટન આસપાસ રહે છે, જે આ વર્ષે માત્ર ૨૦-૨૫ લાખ ટન આસપાસ જ રહેશે તેવું અનુમાન છે. મુખ્ય મથક કર્ણાટક, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં આવકો નહીંવત્‌ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વાર્ષિક ધોરણે ડુંગળીનું ઉત્પાદન સરેરાશ ૮ લાખ ટન આસપાસ રહે છે, પરંતુ ખરીફ પાક નિષ્ફળ જતાં ઉત્પાદન ૨.૫-૩ લાખ ટન આસપાસ જ રહી જશે. મણદીઠ ભાવ વધી રૂ.૧૦૫૦થી ૧૨૫૦ બોલાઇ રહ્યા છે, જે આગામી સમયમાં વધી ૨૦૦૦ સુધી પહોંચી શકે છે. રિટેલમાં ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.૧૦૦-૧૨૫ પહોંચી શકે છે.
મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામ પટેલના જણાવ્યા અનુસાર, ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ૮૦ ટકાથી વધુ પાક ધોવાઇ ગયો છે. સ્ટોક લિમિટ લાગુ કરાતાં ખેડૂતોને મોટું નુકસાન થશે. માગ સામે પુરવઠો નથી તો ભાવ વધવાના જ. આગામી પખવાડિયા બાદ રાજસ્થાનથી આવકો શરૂ થશે, પરંતુ એ પાક બે માસ સુધી જ ચાલશે અને ત્યાર બાદ ફરી આક્રમક તેજી થઇ શકે છે.

Related posts

ઘોઘા હત્યાકાંડ મુદ્દે જિજ્ઞેશ મેવાણી વિધાનસભા ઘેરાવ કરે તે પહેલા અટકાયત…

Charotar Sandesh

આઈશા આત્મહત્યા કેસ : કોર્ટે પતિ આરિફના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા…

Charotar Sandesh

નિશુલ્ક રસીકરણ કોરોના સામેની લડાઈમાં ઐતિહાસિક નિર્ણય : ગૃહમંત્રી અમિત શાહ

Charotar Sandesh