કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે કોલવડા ખાતે ઓક્સિજન પ્લાન્ટનું કર્યું લોકાર્પણ…
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો કહેર વધી ગયો છે. ત્યારે, આજે શનિવારે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કોલવડા ખાતે કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે ૨૮૦ ઁજીછ ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું, કોલવડા ખાતે આજે (શનિવારે) ૬૬ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમને આજથી ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ થશે. દર મિનિટે ૨૮૦ લીટર ઓક્સિજન દર્દીઓને મળશે, એટલું જ નહીં આકસ્મિક સમય માટે ઓક્સિજન સિલિન્ડર પણ અહીં ઉપલબ્ધ કરાયા છે. જેનાથી દર્દીઓને કોઈ તકલીફ પડે નહીં.
અમિત શાહે જણાવ્યું, ગુજરાતમાં નવા ૧૧ ઁજીછ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જે ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે. આ સાથે, વધારાનો ઉત્પાદિત ઓક્સિજનનો જથ્થો અન્ય રાજ્યોને પણ પહોંચાડવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાત ઉદ્યોગિક રાજ્ય છે ત્યારે, ઓક્સિજનનું પણ વધુ ઉત્પાદન થઈ રહ્યું છે. જે અન્ય લોકોને મદદરૂપ થશે.
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે તેમના સંસદીય મતવિસ્તારમાં ગ્રામીણ નાગરિકો માટે ઉપલબ્ધ કરાયેલી સેવાઓ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેર વખતે જે રીતે કામગીરી કરી હતી એ જ રીતે આજે પણ કોરોનાની બીજી લહેરમાં મક્કમ રીતે લડાઈ લડી રહ્યા છે. ત્યારે, મને વિશ્વાસ છે કે, આ બીજા તબક્કામાં પણ આપણે કોરોનાને હરાવીને ગુજરાતના નાગરિકોને સુરક્ષિત કરી બહાર લાવીશુ.
અમિત શાહે રેમડેસિવિરના ઉપયોગ બાબતે ડૉક્ટરોને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે ડૉક્ટરો આ ઇન્જેક્શનનો ઉપયોગ સંયમતાથી કરે તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમા રસીકરણ ઝડપથી થાય તે માટે પ્રયાસો કરવા જોઇએ. ઓક્સિજન તેમજ દવાઓની તંગી સર્જાવી ન જોઇએ તે દિશામાં સરકાર પણ કામ કરી રહી છે. ઓક્સિજનના બગાડ બાબતે પણ અમિત શાહે ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે ઓક્સિજન કે દવાઓની તંગી સર્જાય નહીં તે માટે સૂચનાઓ આપવામાં આવી છે.