મુંબઇ : ડ્રગ્સ મામલે ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની ધરપકડ પર જોની લીવરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આમ જ રહ્યું તો ઈન્ડસ્ટ્રી ખરાબ થઈ જશે.
ડ્રગ્સ મામલે એનસીબી દ્વારા ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની ધરપકડ કરવામાં આવી છે અને તેમને ૧૪ દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલામાં આવ્યા છે. ડ્રગ્સ કેસમાં ભારતી અને હર્ષનું નામ આવવાથી જ્યાં એક તરફ બંનેના ફેન્સને ઝટકો લાગ્યો છે, તો બીજી તરફ રાજુ શ્રીવાસ્તવ અને જોની લીવર જેવા પોપ્યુલર કોમેડિયને પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
રાજુ શ્રીવાસ્તવ બાદ હવે જોની લીવરે ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની ધરપકડ અને ડ્રગ્સના સેવન મામલે પોતાનો મત વ્યક્ત કર્યો છે. સાથે જ કપલને એક અપીલ પણ કરી છે.
જોની લીવરે કહ્યું કે, ’હું ભારતી અને હર્ષને માત્ર એક વાત કહેવા માગીશ. જ્યારે તમે લોકો બહાર આવો ત્યારે સાથે કામ કરનારા નાના અને મોટા દરેક આર્ટિસ્ટને અપીલ કરજો કે તેઓ ડ્રગ્સનું સેવન ન કરે’.
જોની લીવરે આગળ કહ્યું કે, ’સંજય દત્તને જુઓ. તેણે દુનિયાની સામે સ્વીકાર્યું કે, તે ડ્રગ્સ લેતો હતો. તેનાથી મોટુ ઉદાહરણ બીજું કયુ હોઈ શકે? પોતાની ભૂલ સ્વીકારો અને ડ્રગ્સ છોડવાના સમ ખાઓ. આ કેસ માટે તમને કોઈ ફૂલોનો ગુલદસ્તો આપવા માટે નહીં આવે’.