Charotar Sandesh
ઈન્ડિયા

તમે રેલી, રોડ રોકી શકો છો, પરંતુ રાજ્યમાં પરિવર્તનને નહીં રોકી શકો : અમિત શાહ

ગૃહમંત્રીએ બંગાળમાં વર્ચ્યુઅલ રેલી યોજી મમતા સરકાર પર પ્રહાર કર્યા…

’કોરોના એક્સપ્રેસ’ મમતા બેનરજીને બંગાળમાંથી બહાર કરી નાખશે,આતંકવાદ પ્રત્યે મોદી સરકાર ઝીરો ટોલરન્સની નીતિ પર સફળ થઈ,ભાજપ બંગાળને સોનાર બાંગ્લા બનાવવા માંગે છે, ૬ વર્ષમાં ગરીબોના બેન્કમાં ખાતા ખોલ્યા છે

રાજ્યમાં પરિવર્તન લાવવા માટે પાંચ વર્ષમાં ૧૦૦થી વધુ કાર્યકર્તાઓએ પ્રાણની આહુતિ આપી છે, તેમનું બલિદાન એળે નહિ જાય…

ન્યુ દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બંગાળમાં પહેલી વર્ચ્યુઅલ રેલીની શરૂઆતમાં બંગાળની પવિત્ર ભૂમિને પ્રણામ કરતા કહ્યું કે કોરોનાથી જીવ ગુમાવનારાઓના આત્માને શાંતિ મળે. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં જનસંવાદનો રસ્તો શોધ્યો છે. બંગાળમાં ભાજપ કાર્યકરોનું બલિદાન ભાજપના નિર્માણમાં મહત્વનું છે. રાજકારણમાં હિંસાને કોઈ સ્થાન નથી. આ રેલી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દિલ્હીથી જ કરવામાં આવી રહી છે. રાજકીય રીતે જોવા જઈએ તો પશ્ચિમ બંગાળ ભાજપ માટે ખુબ મહત્વનું છે. પાર્ટી એ લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ હવે નજર આગામી વિધાનસભા ચૂંટણી પર છે. અમિત શાહે કહ્યું કે બંગાળમાં લોકસભાની ચૂંટણીમાં ૪૨ બેઠકોમાંથી ૧૮ બેઠકો ભાજપે જીતી હતી. તે તેમના માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે. પોતાના સંબોધનમાં શાહે કહ્યું કે ભાજપ બંગાળને સોનાર બાંગ્લા બનાવવા માંગે છે. ભાજપ સંસ્કારી બંગાળ બનાવવા માંગે છે. બંગાળની જનતાને પીએમ મોદીનું સમર્થન છે. ૬ વર્ષમાં ગરીબોના બેન્કમાં ખાતા ખોલ્યા છે.
તેમણે કહ્યું કે મમતા બેનરજીએ શ્રમિકોનું અપમાન કર્યું છે. શ્રમિક ટ્રેનને તમે કોરોના એક્સપ્રેસ કહી છે પરંતુ તે જ તમને રાજ્યમાંથી બહાર કરશે. તમે મજૂરોના ઘાવ પર મીઠું ભભરાવી રહ્યાં છો અને તેઓ આ અપમાન ક્યારેય ભૂલશે નહીં. શાહે કહ્યું કે જે બંગાળમાં રવિન્દ્ર સંગીતની ધુન સંભળાતી હતી તે બંગાળ આજે બોમ્બ ધડાકાથી હચમચી રહ્યું છે. ગોળીઓનો અવાજ, હત્યાઓ, અને લોકોની ચિત્કારથી સન્નાટો છવાયો છે. કોમી તોફાનોથી તેના આત્માને ખુબ મોટુ નુકસાન થયું છે.
મમતા બેનરજી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે મમતા સરકાર આયુષ્યમાન ભારત યોજનાને બંગાળમાં લાગુ થવા દેતા નથી. ગરીબોને મફત સારવારનો લાભ મળતો નથી. કેજરીવાલે આયુષ્યમાન ભારત યોજનાનો સ્વીકાર કર્યો પરંતુ મમતા બેનરજીએ નહીં. આયુષ્યમાન યોજનાથી દેશના ગરીબોની મફત સારવાર થઈ રહી છે. અમારી સરકાર ૬ વર્ષથી સમસ્યાઓનું સમાધાન કરી રહી છે.
મમતા બેનરજીને આડે હાથ લેતા તેમણે કહ્યું કે મમતાદીદી તમે હિસાબ માંગતા રહો, હું તો હિસાબ લઈને આવ્યો છું. પરંતુ તમે પણ કાલે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની સરકારનો હિસાબ આપો અને ક્યાંક બોમ્બ ધડાકા કે બંધ થયેલી ફેક્ટરીઓના નંબર ખોટા ન આપી દેતા. ભાજપના માર્યા ગયેલા કાર્યકરોની સંખ્યા જરૂરી બતાવજો.
સીએએ પર અમિત શાહ બોલ્યા કે મે તે દિવસે મમતા બેનરજીનો ચહેરો જોયો હતો. તેઓ ખુબ ગુસ્સામાં હતાં. યોગ્ય રીતે નામ લેવાની તમીઝ પણ રહી ન હતી. બાંગ્લાદેશથી જે બંગાળીઓ આવ્યાં હતાં તેમણે તમારું શું બગાડ્યું. તેમને નાગરિકતા મળે તેનાથી તમને શું તકલીફ હતી. તમે સીએએનો વિરોધ કરી રહ્યા છો. બંગાળની જનતા તમને રાજકીય શરણાર્થી બનાવવાની છે.
પીએમ મોદી પર અમિત શાહે કહ્યું કે નાગરિકતા સંશોધન બિલ ખુબ જરૂરી હતું. બહારથી આવેલા શરણાર્થીઓ અનેક વર્ષો સુધી ઓળખ વગર રહત. તેમની સરકારે પણ વાત ન સાંભળી કારણ કે તૃષ્ટીકરણનું રાજકારણ કરવાનું હતું. પરંતુ મોદી સરકાર સીએએ લાવી અને તેમણે ૧૯૪૭નું વચન પૂરું કર્યું.
કાશ્મીરથી કલમ ૩૭૦ હટાવવા પર અમિત શાહે કહ્યું કે બંગાળના જ શ્યામા પ્રસાદ મુખરજીએ કાશ્મીર માટે કાશ્મીરની ધરતી પર જીવ આપ્યો. મોદીએ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી અને ૩૫એ હટાવવાનો પ્રસ્તાવ સંસદમાંથી પાસ કરાવ્યો અને તેને જડથી ઉખાડીને ફેંકી દીધી. મોદી સરકારે સર્જિકલ અને એર સ્ટ્રાઈક દ્વારા કડક સંદેશ આપ્યો કે આતંકવાદ સામે ભારત ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે.

Related posts

ભારતે તેના આસપાસના દેશો સાથે કનેક્ટિવિટી વધારવાની જરૂર : આર્મી ચીફ

Charotar Sandesh

ચોંકાવનારુ સંશોધન : કોરોનામાં સાજા થયા પછી ૮૭ ટકા લોકોનું જીવન સામાન્ય નથી…

Charotar Sandesh

બાળકે બનાવ્યું PM મોદી પર ગલી બોય રેપ, થઇ રહ્યું છે વાયરલ

Charotar Sandesh