અમદાવાદ : રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર એક માર્ચથી શરૂ થશે. વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ નાણાપ્રધાન અને ઉપ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ત્રીજી માર્ચે રજૂ કરશે. આ બજેટ સત્ર ૨૪ દિવસનું રહેશે, જેમાં ગૃહમાં લવ જેહાદ સહિત અનેક સુધારા ખરડા રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. જોકે બજેટ સત્ર તોફાની બની રહે એવી ધારણા છે. આ બજેટ તૈયાર કરવા સરકારના તમામ ૨૬ વિવિધ વિભાગ સાથે છેલ્લા એક સપ્તાહથી નાણાપ્રધાન સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને બજેટને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે વિચારવિમર્શ કરી બજેટને અંતિમ રૂપ આપવામાં આવશે.
નાણાપ્રધાન નીતિન પટેલ આ વખતે નવમી વખત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કરશે. રાજ્ય વિધાનસભા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહને સંબોધિત કરશે. રાજ્યપાલના સંબોધન બાદ રાજ્યના ભૂતપૂર્વ બે મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકી અને કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. થોડા દિવસો પહેલાં જ ગુજરાતના આ પૂર્વ મુખ્ય પ્રધાનોના નિધન થયાં છે. રાજ્યપાલના સંબોધન પછી આભાર વ્યક્ત કરવા ત્રણ દિવસ ચર્ચા કરવામાં આવશે, જ્યારે બજેટ પર સામાન્ય ચર્ચા માટે પાંચ દિવસ ફાળવવામાં આવશે. બજેટનીની માગ પર ૧૨ દિવસ ચર્ચા થશે.
આ દરમ્યાન વિપક્ષ સુધારા સહિતના વિધેયકો પ પર હંગામો કરે એવી સંભાવના છે. રાજ્ય સરકાર ગૃહમાં લવ જેહાદ સહિત અનેક સુધારા બિલ રજૂ કરશે, જ્યારે કેગનો ઓડિટ રિપોર્ટ પણ બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે. રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલે ગયા વર્ષે ૨૦૨૦-૨૧નું રૂ. ૨,૧૭,૨૮૭ કરોડનું બજેટ રજૂ કર્યું હતું.