આંતરિક સર્વેમાં દાવો : અત્યારની સ્થિતિએ 30-35 બેઠકો મળશે, 3-4 દિ’માં હજુ ચિત્ર વધુ બદલાશે…
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાના પ્રતિષ્ઠાજનક ચૂંટણી જંગ આડે માંડ દશેક દિવસ બાકી રહ્યા છે, ત્યારે ભાજપને એક આશાનું કિરણ નજરે ચડ્યું છે. ભાજપના આંતરિક સર્વેમાં એવું બહાર આવ્યું છે કે, પાટનગરમાં શાહીનબાગ પ્રદર્શનને મામલે પાર્ટીને ફાયદો કરાવી શકે તેમ છે.
દિલ્હી વિધાનસભામાં ચૂંટણીના જુદા જુદા ઓપીનીયન પોલમાં કેજરીવાલ સરકારની વાપસીના તારણો નિકળ્યાં છે. પરંતુ ભાજપના આંતરિક સર્વેમાં એવું બહાર આવ્યું છે કે, શાહીનબાગ પ્રદર્શનથી ભાજપને લાભ થઇ શકે છે. અને 30 થી 35 બેઠકો મળી શકે છે.
ભાજપના સીનીયર નેતાએ કહ્યું કે, પાર્ટીને થનારા લાભ પાછળ મુખ્ય કારણ શાહીનબાગ પ્રદર્શન છે જે સામે ભાજપ સતત પ્રચાર કરે છે. નાગરિકતા કાયદા વિરુધ્ધ શાહીનબાગનાં પ્રદર્શન થઇ રહ્યા છે. માર્ગો-બજારો 15મી ડિસેમ્બરથી બંધ છે.
ભાજપ નેતાના દાવા મુજબ દિલ્હીમાં શાહીનબાગ તથા દેશના અન્ય ભાગોમાં નાગરિકતા કાયદાની વિરુધ્ધમાં પ્રદર્શનથી ભાજપને ફાયદો થઇ રહ્યો છે. ચૂંટણીની તારીખ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપની સ્થિતિ વધુ મજબુત થઇ રહી છે. 2015ની ચૂંટણીમાં ભાજપને માંડ 3 બેઠકો મળી હતી. આપને 67 બેઠકો મળી હતી.
ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, શાહીનબાગ પ્રદર્શનની લોકોએ માનસિકતા જાહેર કરી છે. શાહીનબાગના પ્રદર્શનકારીઓની પડખે હોવાના મનીષ સીસોદીયાનાં વિધાનથી ફાયદો થયો છે.
આ સિવાય મોદી સરકારની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત યોજનાને દિલ્હીમાં કેજરીવાલ સરકારે લાગુ કરી નથી તેનો પણ લાભ મળશે.