એક ગુપ્તચર રિપોર્ટમાં ખુલાસો…
ન્યુ દિલ્હી : વિવાદાસ્પદ મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે PFI દ્વારા અન્ય સંગઠન સાથે મળીને દેશભરમાં સીએએ સામે ૫૦૦૦ વિરોધ પ્રદર્શન કરવાની યોજના તૈયાર કરાઈ હોવાનો ઘટસ્ફોટ એક ગુપ્તચર રિપોર્ટમાં થયો છે.
આ પાંચ હજાર વિરોધ પ્રદર્શનમાં ધરણા અને ડોર ટુ ડોર અભિયાનનો પણ સમાવેશ થાય છે. આ પ્રદર્શનને ..કાગઝ નહી દીખાયેંગે નામ આપવામાં આવશે. જેમાં લોકોને આગામી વસતી ગણતરી એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર માટે પણ પોતાની કોઈ પણ પ્રકારની ઓળખ નહી આપવા સંદેશો અપાશે.
આ પ્રકારના પ્રદર્શન શરૂ પણ થઈ ગયા છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં કેટલાક વિસ્તારોમાં મુસ્લિમ સમુદાય દ્વારા સરકારી અધિકારીઓને સહયોગ નહી અપાતો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
સીએએ સામે ૨૩૦૦ જેટલા ધરણા પ્રદર્શન દેશના વિવિધ વિસ્તારોમાં અત્યાર સુધી યોજાયા હોવાનો અંદાજ છે. જેમાં સૌથી વધારે ૫૮૭ પ્રદર્શન કેરલમાં યોજાયા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં ૨૨૧, યુપીમાં ૨૦૨, તમિલનાડુમાં ૨૨૧, મહારાષ્ટ્રમાં ૨૦૧, આંદ્રપ્રદેશમાં ૧૧૮, તેલંગાણામાં ૧૦૫, કર્ણાટકમાં ૧૦૦, રાજસ્થાનમાં ૮૭, દિલ્હીમાં ૭૭ અને ગુજરાતમાં ૪૮ જ્ગ્યાએ સીએએ વિરોધી દેખાવો યોજાઈ ચુક્યા છે.