છેલ્લા ૨૪ કલાકમાં ૬૬૭૩૨ પોઝિટિવ કેસ, ૮૧૬ના મોત…
દેશમાં કુલ મૃત્યુઆંક વધીને ૧.૦૯ લાખએ પહોંચ્યો,એક્ટિવ કેસ ૨૬ દિવસમાં ૧૫% ઓછા થયા,અત્યાર સુધીમાં ૬૧.૪૬ લાખ દર્દી સાજા થયા, ૮.૬૧ લાખ દર્દીની સારવાર ચાલી રહી છે…
ન્યુ દિલ્હી : દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર ચાલુ છે. જો કે ભારતમાં કોરોનાની સ્પીડ ધીમી પડતી દેખાઇ રહી છે. છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રવિવારે ૬૭ હજાર ૭૮૯ કેસ નોંધાયા છે. આ સતત ૧૦મો દિવસ હતો, જ્યારે નવા કેસ ૮૦ હજારથી ઓછા રહ્યા. ભારતમાં કોરોનાના કુલ કેસ ૭૧ લાખને પાર થઇ ચૂકયા છે જેમાં એક્ટિવ કેસોની સંખ્યા ૮૬૧૮૫૩ છે. અત્યાર સુધીમાં ૭૧,૨૦,૫૩૯ લોકો કોરોના સંક્રમણથી મુક્ત થઇ ચૂકયા છે.
છેલ્લાં ૧૦ દિવસથી કોરોનાથી થનાર મોતોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન કોરોનાથી થનાર મોતનો આંકડો હજારથી નીચે રહ્યો. સોમવારના રોજ કોરોના સંક્રમણના લીધે ૮૧૬ લોકોના મોતનો આંકડો સામે આવ્યો જેમાં રવિવારની સરખામણીમાં અંદાજે ૧૦૦નો ઘટાડો આવ્યો. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના લીધે ૧૦૯૧૫૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
કોરોનાના નવા કેસોની વચ્ચે સારા સમાચાર એ છે કે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. દેશમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ૮૬૧૮૫૩ છે જે રવિવારની સરખામણીમાં ૫૬૪૩ ઓછી છે.
ICMRના આંકડા પ્રમાણે રવિવારના રોજ કોવિડ-૧૯ માટે ૯,૯૪,૮૫૧ સેમ્પલના ટેસ્ટ કરાયા. ત્યાં ૧૧ ઑક્ટોબર સુધીમાં દેશમાં કુલ ૮,૭૮,૭૨,૦૯૩ કોરોના ટેસ્ટ થઇ ચૂકયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે કોરોના ટેસ્ટિંગમાં આવેલી તેજીથી તેના પર કાબૂ મેળવવામાં મદદ મળી રહી છે.
કોરોનાના એક્ટિવ કેસો, મૃત્યુ દર, અને રિકવરી કેસમાં ટોપ-૫ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ , આંધ્રપ્રદેશ અને તામિલનાડુ સામેલ છે. આ ટેબલ તેમના પ્રદર્શનમાં ધીમે-ધીમે સુધારો દેખાડી રહ્યા છે.
દિલ્હી સરકારે ૩૧ ઓક્ટોબર સુધી રાજ્યમાં મેળા, સમારોહ, ફૂડ સ્ટોલ, ઝૂલા, રેલી અને દેખાવ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે આ નિર્ણય સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખીને લીધો છે.
ઉત્તરપ્રદેશ સરકારે તહેવારની સીઝન માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. તહેવાર સાથે જોડાયેલો કોઈપણ કાર્યક્રમ કન્ટેન્મેન્ટ ઝોનમાં નહીં થાય. કન્ટેન્મેન્ટ ઝોનના લોકો ન તો કોઈ કાર્યક્રમ કરી શકશે અને ન તો કોઈ કાર્યક્રમમાં જોડાઈ શકશે.