મહારાષ્ટ્રમાં કોરોનાની ટેસ્ટિંગ અને સારવાર મફ્ત થશે…
ન્યુ દિલ્હી : જીવલેણ કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે દુનિયામાં ઘાતક વાઈરસે ૨ લાખ કરતા વધુ લોકોનો ભોગ લીધો છે. ભારતમાં પણ કોરોનાના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૨૯ જેટલા નવા કેસો નોંધાયા છે અને ૫૭ લોકો મોતને ભેટ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસો વધીને ૨૪૫૦૬ થઈ ગયા છે, જ્યારે કોરોનાના કારણે મૃત્યુઆંક વધીને ૭૭૫ પર પહોંચ્યો છે.
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કોરોનાની ટેસ્ટીંગ અને સારવારને મફત કરી છે. સ્વાસ્થ્ય શિક્ષણ મંત્રી અમિત દેશમુખે લાતૂરમાં શુક્રવાર સાંજે આ જાહેરાત કરી હતી.
દેશમાં કોરોનાના કારણે મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી વધુ કફોડી જોવા મળી રહી છે. અહીં તુલ ૬૮૧૭ કોરોનાના કેસો સામે આવી ચૂક્યા છે. જેમાંથી ૮૪૦ દર્દીઓ એવા છે, જે સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે ૩૦૧ લોકો મોતને ભેટ્યા છે.
ગુજરાતમાં પણ કોરોનાના ૨૦૧૮ પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાંથી ૨૬૫ લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને રજા આપવામાં આવી છે, જ્યારે ૧૨૭ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જો દિલ્હીની વાત કરીએ તો, અહીં અત્યાર સુધીમાં કોરોનાના ૨૫૧૪ પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે ૫૩ લોકોના મોત થયા છે.
ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં ૧૬૨૧ કેસો નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી ૨૪૭ સ્વસ્થ થયા છે અને ૨૫ દર્દીઓના મોત થયા છે. રાજસ્થાનમાં પણ ૨૦૩૪ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે, જેમાંથી ૨૩૦ સ્વસ્થ થયા છે તો ૨૭ના મોત થયા છે. આ જ રીતે બિહારમાં કુલ ૨૨૩ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે, જેમાંથી ૪૬ સ્વસ્થ થયા છે અને ૨ના મોત થયા છે.