અનેક રાજ્યોમાં ઘટી સંક્રમણની ઝડપ પરંતુ મૃતકઆંક હજુ પણ ડરામણો…
ન્યુ દિલ્હી : કોરોનાની બીજી લહેરે આખા દેશને હલાવી દીધો છે. ભારતમાં કોરોનાના વધતા આંકડા હવે દુનિયાને ડરાવવા લાગ્યા છે. દેશમાં કોરોનાની બગડતી સ્થિતિનો અંદાજો એ વાતથી લગાવવામાં આવી શકે છે કે દેશમાં છેલ્લા ત્રણ દિવસથી સતત કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૪ લાખથી વધારે થઈ ચુકી છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીઓ તો દેશમાં ૪ લાખ ૩ હજાર ૭૩૮ નવા કોરોના કેસ સામે આવ્યા છે, જ્યારે સતત બીજા દિવસે મોતનો આંકડો ૪ હજાર પાર કરી ગયો છે.
છેલ્લા એક દિવસમાં દેશમાં કોરોનાથી ૪ હજાર ૯૨ લોકોના મોત થયા છે. આ પહેલા શુક્રવારના પહેલી વાર દેશમાં ૪ હજાર ૨૩૩ લોકોના જીવ ગયા હતા. કોરોનાના વધતા કેસોની વચ્ચે રાહતના સમાચાર એ છે કે કોરોનાથી ઠકી થનારા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આવું પહેલી વાર થયું છે કે જ્યારે એક દિવસમાં કોરોનાથી ઠીક થનારા દર્દીઓની સંખ્યા ૩ લાખ ૮૬ હજારની પાર થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી ૨.૨૨ કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે કુલ ઠીક થનારા દર્દીઓની સંખ્યા ૧.૮૩ કરોડ છે. છેલ્લા ૨૪ કલાકમાં જીવ ગુમાવનારા દર્દીઓ બાદ દેશમાં અત્યાર સુધી ૨.૪૨ લાખ લોકોના મોત કોરોનાના કારણે થયા છે.
ભારતમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મોટું પગલું ઊઠાવતા કોરોનાની રાષ્ટ્રીય નીતિમાં બદલાવ કર્યો છે. નવી નીતિ પ્રમાણે હવે કોવિડ હેલ્થ ફેસિલિટીમાં પોઝિટિવ રિપોર્ટ વગર પણ દર્દીઓને ભરતી કરવામાં આવી શકાશે. નવી નીતિ પ્રમાણે કોઈ પણ દર્દીને ઑક્સિજન અને દવાથી ના ન કરી શકાય, ભલે તે બીજા જ શહેરનો કેમ ના હોય. કોરોનાના વધતા કેસો વચ્ચે ગુજરાતમાં સારા સમાચાર એ છે કે કોરોનાના નવા કેસોની તુલનામાં સાજા થનારાઓની સંખ્યા વધી રહી છે.
દેશના ૧૫ રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. તેમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, અને મિઝોરમનો સમાવેશ થાય છે. અહીં ગયા વર્ષે કોરોના મહામારી દરમિયાન કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.
દેશના ૧૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. એટલે કે અહીં પ્રતિબંધો છે, પરંતુ છૂટ પણ છે. આમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગણા, ગોવા, તામિલનાડુ અને ગુજરાત સામેલ છે.
કોરોનાને કારણે, તમિળનાડુ સરકારે ૧૦ મેથી બે અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. ૧૦ થી ૨૪ મે દરમિયાન તમિળનાડુમાં સંપૂર્ણ લોકડાઉન થશે. કરિયાણા, રાશનની દુકાન બપોરે
૧૨ વાગ્યા સુધી ખોલવાની મંજૂરી છે. અન્ય રાજ્યોથી આવતા લોકોએ પહેલા ઇ-નોંધણી કરાવવી પડશે. પર્યટન સ્થળોની યાત્રા પર પ્રતિબંધ રહેશે.
રાજધાની દિલ્હીમાં સંક્રમણ દરમાં ઘટાડો નોંધાયો છે. હાલ દિલ્હીનો સંક્રમણ દર ૨૩.૩૪ ટકા છે. અગાઉ ૧૭ એપ્રિલના રોજ સંક્રમણ દર ૨૪.૫૬ ટકા હતો. મુંબઈમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર ઘટી રહેલો જણાઈ રહ્યો છે. શહેરમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ૫૦,૦૦૦ કરતા ઓછી થઈ ગઈ છે.