ન્યુ દિલ્હી : કોરોનાની વેક્સિનને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. કોરોના વેક્સિનને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોરોનાની વેક્સિનેશન માટે સરકાર તૈયાર છે. મંજૂરી મળ્યા બાદ ૧૦ દિવસમાં વેક્સિન લગાવવાની શરૂઆત થઇ શકે છે. ૧૩ તારીખથી રસીકરણ શરૂ થઇ શકે છે.
કોરોના વેક્સિનને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશના ૪ મોટા ડેપોમાં નિર્માતા વેક્સિન પહોંચાડે છે. ત્યાંથી સ્ટેટ વેક્સિન સ્ટોર સુધી પહોંચાડવામાં આવે છે, જે ૩૭ છે. વેક્સિનને આગળ પહોંચાડવાની જવાબદારી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની હોય છે. ત્યાંથી રેફ્રિજરેટેડ વાહન અથવા અન્ય સાધનોના માધ્યમથી જિલ્લાઓ અને પછી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે છે.
ભારત પાસે વેક્સિન ડિલિવરીની દેખરેખ માટે ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ છે. આ છેલ્લા ૧૦ વર્ષથી ઉપલબ્ધ છે. પરંતુ હવે કોરોના વેક્સિન માટે આમાં કેટલીક વસ્તુઓ જોડવામાં આવી છે. વેક્સિનની જગ્યાઓ પર તાપમાન માપવાનું યંત્ર હશે. અમે ડ્રાઈ રન માટે ૧૨૫ જિલ્લાઓમાં ૩૮૬ સેશન્સ સાઇટ તૈયાર છે.
વેક્સિનને ઇમરજન્સી ઉપયોગની મંજુરી મળ્યાના ૧૦ દિવસની અંદર રસીકરણ શરૂ થશે. એક રસીકરણની ટીમમાં ૫ સભ્યો હશે. ડિજિટલ માધ્યમથી વેક્સિનના પહેલા અને બીજા ડોઝ આપવા માટે તારીખ આપવામાં આવશે. ડિજિટલ હેલ્થ મિશન હેઠળ યૂનિક હેલ્થ આઈડી પણ બનાવી શકાશે.
દેશના ૫ રાજ્યોમાં ડ્રાઈ રન સફલ રહ્યું છે. રસીકરણ બાદ કોઇ પણ પ્રકારની સમસ્યા થવા પર તેની સારવાર કરવામાં આવશે. હેલ્થ વર્કર્સ અને અન્ય ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિન માટે કો-વિન પર રજિસ્ટ્રેશનની જરૂરિયાત નહીં રહે. અન્ય જનતાને રજિસ્ટ્રેશન કરાવવું પડશે.