કુલ કેસનો આંકડો ૯૦.૫૦ લાખે પહોંચ્યો, ૮૪.૭૮ લાખ લોકો સ્વસ્થ થયા…
રિક્વરી રેટ ૯૩.૬૭ ટકાએ પહોંચ્યો, વધુ ૫૬૪ના મોત સાથે મૃત્યુઆંક ૧.૩૨ લાખે પહોંચ્યો…
ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૯૦.૫૦ લાખ થઇ ગઇ છે જ્યારે કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૮૪.૭૮ લાખ પહોંચી ગઇ છે, જેથી દેશમાં સાજા થનાર લોકોની ટકાવારી ૯૩.૬૭ ટકા વધી ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે તેની જાણકારી આપી હતી.
શનિવારે સવારે આઠ વાગે જાહેર થયેલા આંકડા અનુસાર દેશમાં ગત ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૬,૨૩૨ નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૯૦,૫૦,૫૯૭ થઇ ગઇ છે.
મંત્રાલયના આંકડા અનુસાર કોરોના વાયરસના કારણે ગત ૨૪ કલાકમાં વધુ ૫૬૪ લોકોના મોત થયા છે, જેથી મરનારાઓની સંખ્યા વધીને ૧,૩૨,૭૨૬ સુધી પહોંચી ગઇ છે.
આંકડા અનુસાર આજે સતત ૧૧મા દિવસે દેશમાં ઉપચારધીન કેસની સંખ્યા પાંચ લાખથી ઓછી છે. દેશમાં ૪,૩૯,૭૪૭ દર્દીઓની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે, જે સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યાના ૪.૮૬ ટકા છે.
આંકડામાં કહેવામાં આવ્યું છે કે સફળ સારવાર બાદ દેશમાં સંક્રમણ મુક્ત થનાર લોકોની સંખ્યા ૮૪,૭૮,૧૨૪ પર પહોંચી ગઇ છે. રોગીઓના સંક્રમણ મુક્ત થતાં રાષ્ટ્રીય દર ૯૩.૬૭ ટકા થઇ ગઇ છે, જ્યારે મૃત્યું દર ૧.૪૭ ટકા છે.
દેશમાં કોવિડ ૧૯થી સંક્રમિત થનાર લોકોની સંખ્યા ૭ ઓગસ્ટના રોજ ૨૦ લાખને પાર થઇ ગઇ છે. ત્યારબાદ ૨૩ ઓગસ્ટના રોજ ૩૦ લાખ અને ૫ સપ્ટેમ્બરના રોજ ૪૦ લાખને પાર થઇ ગઇ છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે ૧૬ સપ્ટેમ્બરના રોજ ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બરના રોજ ૬૦ લાખ, ૧૧ ઓક્ટોબરના રોજ ૭૦ લાખ તથા ૨૯ ઓક્ટોબરના રોજ ૮૦ લાખને પાર થઇ ગઇ છે. ૨૦ નવેમ્બર સુધી ૧૩.૦૬ કરોડ નમૂનાની તપાસ કરવામાં આવી છે.