કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૯૦ હજારને પાર, મૃત્યુઆંક ૨૮૭૨એ પહોંચ્યો…
અત્યાર સુધીમાં કુલ કેસના ૩૫ ટકા લોકો સાજા થયા, રિક્વરી રેટ વધીને ૩૭.૫૧ ટકાએ પહોંચ્યો, લૉકડાઉન ૩.૦ના છેલ્લા દિવસે સૌથી વધુ કેસો નોંધાતા સરકારની ચિંતામાં વધારો, લૉકડાઉન ૪.૦ની શરૂઆત…
ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાયરસનો અજગર ફૂંફાડા મારીને રોજ તેનો ભરડો વધુ કઠણ બનાવી રહ્યો છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે આપેલા આંકડા મુજબ એક જ દિવસમાં કોરોનાના રેકોર્ડ ૪,૯૮૭ કેસનો વધારો થયો હતો તેમજ ૧૨૦ વધુ દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૫૩,૯૪૬ને આંબી ગઈ છે. અત્યાર સુધીમાં ૩૪,૧૦૮ દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહેતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે તેમજ એક વિદેશી નાગરિક સ્થળાંતર કરી ગયો છે. આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના મતે દેશમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર ૩૭.૫૧ ટકા આસપાસ છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૫૬ દર્દી સારવાર બાદ સાજા થયા છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીના કુલ કેસના ૩૫ ટકા લોકો એટલે કે ૩૧,૮૭૩ લોકો કોરોનાને માત આપી ચુક્યા છે અને સાજા થઇને ઘરે પરત આવી ગયા છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ વધુ ૧૨૦ દર્દીઓના કોરોનાથી મોત થતા કુલ મૃત્યુઆંક ૨,૮૭૨ પર પહોંચ્યો છે. દેશમાં ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુમાં પરિસ્થિતિ વધુ ગંભીર જણાય રહી છે અને આ ત્રણેય રાજ્યોમાં ૧૦,૦૦૦થી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ૩૦,૭૦૬, ગુજરાતમાં ૧૦,૯૮૮ અને તમીલનાડુમાં ૧૦,૫૮૫ કેસો છે.
શનિવાર સવાર સુધીમાં થયેલા મૃત્યુમાં મહારાષ્ટ્રમાં ૬૭, ગુજરાતમાં ૧૯, ઉત્તર પ્રદેશમાં નવ, પશ્ચિમ બંગાળમાં સાત, દિલ્હીમાં છ, મધ્યપ્રદેશમાં ચાર, તમિલનાડુમાં ત્રણ, હરિયાણામાં બે તેમજ આંધ્રપ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં એક-એક મૃત્યુનો સમાવેશ થયો હતો. દેશમાં અત્યાર સુધીના કુલ મૃત્યુઆંકમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે જ્યાં ૧,૧૩૫ લોકોના મોત થયા છે, ગુજરાતમાં ૬૨૫ મોત થતા બીજા ક્રમે છે, મધ્યપ્રદેશમાં ૨૪૩, પશ્ચિમ બંગાળમાં ૨૩૨, દિલ્હીમાં ૧૨૯, રાજસ્થાનમાં ૧૨૬, ઉત્તર પ્રદેશમાં ૧૦૪, તમિલનાડુમાં ૭૪ અને આંધ્રપ્રદેશમાં ૪૯ મોત થયા છે. કર્ણાટકમાં ૩૬, તેલંગાણામાં ૩૪ અને પંજાબમાં ૩૨ મોતનો સમાવેશ થાય છે.
કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યાના આધારે ભારત વિશ્વમાં ૧૧ મા ક્રમે છે. બીજી તરફ, અમેરિકા, રશિયા, બ્રાઝિલ, ફ્રાંસ, ઇટાલી, સ્પેન અને પેરુ પછી ભારત એક એવો દેશ છે જ્યાં લોકોને સૌથી વધુ કોરોના વાયરસના ચેપ માટે સારવાર આપવામાં આવે છે.
દેશના ૩૩ રાજ્યોમાં અત્યાર સુધી ૮૫૯૪૦ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં ૬ રાજ્યો એવા છે જ્યાં ૧૦૦થી વધારે મોત નિપજ્યાં છે. ૧૮ રાજ્યો એવા છે જ્યાં ૧૦૦થી ઓછા લોકોનાં મોત નિપજ્યાં છે. સારી વાત એ છે કે, ઘણાં રાજ્યો એવા છે જ્યાં કોરોનાના કેસ છે પણ એક પણ મોત નિપજ્યું નથી. ૯ રાજ્યોમાં કોરોનાથી એક પણ મોત થયું નથી.