સંક્રમિતોનો આંકડો ૧,૫૮,૩૩૩, જ્યારે મૃત્યુઆંક ૪૫૩૧એ પહોંચ્યો…
કુલ ૮૬૧૧૦ એક્ટિવ કેસ,અત્યાર સુધી ૬૭,૬૯૨ દર્દીઓ સ્વસ્થ થયા જ્યારે રિકવરી રેટ વધીને ૪૨.૭૫ ટકા થયો…
ન્યુ દિલ્હી : કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે દેશ અને દુનિયાના મોટાભાગના વિસ્તારોમાં લૉકડાઉન સહિત અલગ-અલગ પ્રતિબંધો લાગૂ છે. જો કે હજુ સુધી કોરોના સંક્રમિતોની સંખ્યામાં કોઈ ઘટાડો જોવા નથી મળી રહ્યો. ભારતમાં પણ કોરોના વાઈરસા પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૫૬૬ નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન ૧૯૪ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જે એક દિવસમાં મોતને ભેટનારા લોકોનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. જોકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી દર ૪૨.૭૫ ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૬૬ લોકો કોરોના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, આ સાથે જ અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧,૫૮,૩૩૩ પર પહોંચી ગઈ છે. જ્યારે આ જીવલેણ બીમારીના કારણે અત્યાર સુધી દેશમાં કુલ ૪,૫૩૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દેશના કુલ ૧,૫૮,૩૩૩ કેસોમાંથી ૬૭,૬૯૨ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે ૮૬,૧૧૦ એક્ટિવ કેસો છે. કોરોનાના કારણે દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. જ્યાં કોરોનાના ૫૭ હજાર કરતાં વધુ કેસો નોંધાઈ ચૂક્યાં છે, જેમાંથી ૧૮૯૭ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે ૧૮૯૭ લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.
જ્યારે તમિલનાડુમાં કુલ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૮,૫૪૫ છે. જેમાંથી ૧૩૩ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૫,૨૫૭ છે, જેમાંથી ૩૦૩ લોકોના મરણ નોંધાયા છે. ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૫,૧૯૫ પર પહોંચી છે. જેમાં ૯૩૮ લોકોના મરણ નોંધાયા છે.
કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે. ૨૦મે ના રોજ ૧૪૦ લોકોના મૃત્યુ થયા હતા. ૨૧મે ના રોજ ૧૩૨, ૨૨મે ના રોજ ૧૪૮, ૨૩મે ના રોજ ૧૩૭, ૨૪મે ના રોજ ૧૪૭, ૨૫મે ના રોજ ૧૫૪, ૨૬મે ના રોજ ૧૪૬, ૨૭મે ના રોજ ૧૭૦ આજે એટલે કે ૨૮મે ના રોજ ૧૯૪ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, મધ્ય પ્રદેશમાં ૩૧૩, તેલંગાણામાં ૬૩, આંધ્ર પ્રદેશમાં ૫૮, કર્ણાટકમાં ૪૭, ઉત્તર પ્રદેશમાં ૧૮૨, પંજાબમાં ૪૦, પશ્ચિમ બંગાળમાં ૨૮૯, રાજસ્થાનમાં ૧૭૩, જમ્મુ-કાશ્મીરમાં ૨૬, હરિયાણામાં ૧૮, કેરળમાં ૭, ઝારખંડમાં ૪, બિહારમાં ૧૫, અસમમાં ૪, હિમાચલ પ્રદેશમાં ૫, ઓડિશામાં ૭ અને મેઘાલયમાં ૧ વ્યક્તિએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.