કુલ સંક્રમિતોનો આંકડો ૪૫.૫૯ લાખને પાર, મૃત્યુઆંક વધીને ૭૬૩૦૪એ પહોંચ્યો…
ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જે આંકડા સામે આવી રહ્યા છે તે ખુબ જ ચોંકાવનારા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૬,૫૫૧ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૪૫,૬૨,૪૧૫ પર પહોંચી ગઈ છે. જેમાંથી ૯,૪૩,૪૮૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે રાહતની વાત એ પણ છે કે દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં ૩૫,૪૨,૬૬૪ લોકો સાજા થઈને ઘરે ગયા છે. એક જ દિવસમાં કોરોનાએ ૧,૨૦૯ લોકોનો ભોગ લીધો. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૭૬,૨૭૧ પર પહોંચ્યો છે.
જો કે ભારત માટે રાહતની વાત એ છે કે, તે હવે વિશ્વનો એવો બીજો દેશ બની ગયો છે. જ્યાં સૌથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ પ્રમાણે, અહીં અત્યાર સુધીમાં ૩૫,૪૨,૬૬૪ લોકો કોરોનાને માત આપી ચૂક્યાં છે. એટલે કે આટલા લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
આમ કોરોનાના રિકવરી મામલે ભારત બીજા ક્રમે અને બ્રાઝીલ ત્રીજા નંબરે પહોંચી ગયું છે. દેશમાં હાલ ૯,૪૩,૪૮૦ કોરોનાના એક્ટિવ કેસો છે.
મહારાષ્ટ્રમાં ગુરુવારે ૨૩,૪૪૬ નવા કોરોનાના કેસો સામે આવ્યા છે અને વધુ ૪૪૮ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ રાજ્યમાં અત્યાર સુધી ૯,૯૦,૭૯૫ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. જેમાંથી ૨૮,૨૮૨ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
ભારત સિવાય વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોના વાઇરસનો કહેર યથાવત છે. વિશ્વમાં લગભગ ૨.૮૧ કરોડ કરોડથી વધુ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. જ્યારે આ વાઇરસના કારણે ૯.૮ લાખથી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે.
સૌથી મોતના મામલામાં અમેરિકા સૌથી ઉપર છે. અત્યાર સુધી અમેરિકામાં ૧.૯૧ લાખ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જ્યારે બ્રાઝિલ ૧.૨૯ લાખ મૃત્યુ સાથે બીજા નંબરે છે. આ મામલામાં ભારત ત્રીજા સ્થાને છે જ્યા આ મહામારીથી અત્યાર સુધી ૭૬,૨૭૧ લોકો મૃત્યુ પામ્યા છે.