કોરોના સંક્રમિતોનો આંકડો ૫૩ હજારની નજીક, ૧૭૦૦થી વધુના મોત…
ન્યુ દિલ્હી : દેશમાં લોકકડાઉન છતાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૫૨,૦૦૦ને પાર થઈ ગઈ છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૫૨,૯૫૨ થઈ ગઈ છે. આ વાઇરસથી અત્યાર સુધી ૧૭૮૩થી વધુ લોકોનાં મોત થયાં છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૫૬૧ કેસો નોંધાયા હતા, જ્યારે ૮૯ લોકોનાં મોત થયાં છે. રિકવરી રેટ ૨૮.૮૩ ટકા છે. અત્યાર સુધી કુલ ૧૫,૨૬૭ લોકો આ બીમારીમાંથી સ્વસ્થ થયા છે, એવી માહિતી આરોગ્ય મંત્રાલયે આપી છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાનાં ૧૦ હજાર કેસ નોંધાયા છે. જે હવે સરકાર માટે ચિંતાનો વિષય બની છે.
આંધ્રપ્રદેશમાં ૫૬ નવા કેસ સામે આવતા રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧૮૩૩ થઇ ગઇ છે. જ્યારે કોરોનાને કારણે કુલ મોત ૩૮ થઇ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૬ પોલીસકર્મીઓને કોરોના સંક્રમણ થયો છે. રાજ્યમાં અત્યાર સુધી સંક્રમણનાં ૧૮૭૫૮ કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના ૧૬,૭૫૮ કેસો નોંધાયા છે, જ્યારે મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૦,૦૦૦ને પાર થઈ ચૂકી છે. મુંબઈમાં આ વાઇરસના ૧૦,૭૧૪ કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા ૬,૨૦૦થી વધુ કેસ છે. દેશમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બાદ દિલ્હીમાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે. દિલ્હીમાં ૫૫૩૨ કેસ છે જ્યારે ૬૫ લોકોના મોત થયા છે. તામિલનાડુમાં ૪૮૨૯ કેસ, રાજસ્થાનમાં ૩૩૧૭ કોરોના પોઝિટિવ કેસ, પશ્ચિમ બંગાળમાં ૧૪૫૬ કેસ, જ્યારે ૧૪૪ લોકોના મોત થયા છે. આંધ્ર પ્રદેશમાં ૧૭૭૭ લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યાં છે. ત્યાં ૩૬ લોકોએ જીવ ગુમાવ્યાં છે. મધ્ય પ્રદેશમાં પણ કોરોનાનો હાહાકાર છે જ્યાં ૩૧૩૮ કેસ નોંધાયા છે અને ૧૮૫ લોકોના મૃત્યુ થયા છે.