ન્યુ દિલ્હી : દૈનિક ધોરણે નવા પોઝિટીવ નોંધાતા દર્દીઓની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓની વધુ સંખ્યાનું વલણ એકધારું જળવાઇ રહ્યું હોવાથી સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને ૨.૫૦ લાખ થઇ ગઇ છે જે આજે ૨,૫૦,૧૮૩ નોંધાઇ હતી. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનું ભારણ માત્ર ૨.૪૩% રહ્યું જે ૨.૫%ના મહત્વપૂર્ણ સ્તરથી નીચે છે.
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડના નવા ૧૯,૦૭૯ કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ હતી જ્યારે આટલા જ સમયગાળામાં નવા ૨૨,૯૨૬ દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. આ કારણે છેલ્લા ૨૪ કલાકમાં સક્રિય કેસના ભારતમાં ૪,૦૭૧ દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
છેલ્લા ૭ દિવસમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછા કેસ (૧૦૭) ધરાવતા દેશમાં ભારત છે. છેલ્લા ૭ દિવસમાં બ્રાઝિલ, રશિયા, ફ્રાન્સ, ઇટાલી, અમેરિકા અને યુકેમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસની સંખ્યા ઘણી વધારે નોંધાઇ છે. ભારતમાં કુલ સાજા થઇ ગયેલા કેસની સંખ્યા લગભગ ૧ કરોડના આંકડા સુધી પહોંચી ગઇ છે. કુલ સાજા થયેલા કેસની સંખ્યા ૯૯ લાખનો આંકડો પાર કરી ગઇ (૯૯,૦૬,૩૮૭) છે.
આજે સાજા થવાનો સરેરાશ દર વધીને ૯૬.૧૨% સુધી પહોંચી ગયો છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસની વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે અને જે હાલમાં ૯૬,૫૬,૨૦૪ થઇ ગયો છે. નવા સાજા થયેલા દર્દીઓમાંથી ૭૮.૬૪% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.