દ્વારકા : સૌરાષ્ટ્રમાં છેલ્લા ૩ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સૌથી વધુ વરસાદ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં નોંધાયો છે. દ્વારકામાં છેલ્લા ૨ દિવસમાં ૨૫ ઈંચ વરસાદ પડ્યો છે. ભારે પવન અને વરસાદ વરસતા જાણે મેઘરાજાએ તાંડવ મચાવ્યું હોય તેવું વાતાવરણ છે. ભારે વરસાદમાં ભગવાન દ્વારકાધીશનો શિખર દંડ પણ ખંડિત થયો હતો. જગતમંદિર પર ધ્વજા ચડાવવાનો દંડ તૂટી ગયો હતો.
જેના કારણે દંડને દોરડા વડે બાંધવામાં આવ્યો હતો અને ધ્વજા મુખ્યદંડ પર ફરકાવવામાં આવી હતી. મહત્વનું છે કે કોઇ આફત આવે ત્યારે દ્વારકાધીશ મંદિર પર અડધી કાઠીએ ધ્વજા ચડાવવામાં આવે છે. ત્યારે વરસાદરૂપી આફતે શિખરના દંડને જ ખંડિત કર્યો છે. પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભારે પવન અને વરસાદના લીધે જગતમંદિરનું શિખરદંડ તૂટી ગયું હતું. ભારે પવન અને વરસાદના લીધે જ્યાં મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવે છે
તે દ્વારકાધીશ મંદિરની શિખર ધ્વજા ચડાવવાનો દંડ તૂટ્યો હતો. મહત્વનું છે કે, દરરોજ ભક્તો દ્વારા શીખર પર રોજની પાંચ ધ્વજા ચડાવવા આવે છે. પરંતુ ભારે વરસાદથી જગતમંદિરના શિખરનો ધ્વજા ચડાવવાનો દંડ વચ્ચેથી તૂટી જતા મુખ્ય દંડ ઉપર ધ્વજા ચડાવવામાં આવી હતી.