ધો.૧૦-૧૨ બોર્ડ પરીક્ષા માટે કેટલાક નિયમો બનાવાયા…
અમદાવાદ : આગામી ૪ મેથી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા શરૂ થશે, જેને લઈને શિક્ષણ વિભાગ તેમજ તંત્ર સજ્જ થઈ રહ્યાં છે. કોરોના વચ્ચે પરીક્ષા લેવામાં આવતાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાંથી એક છે કે પરીક્ષા સમયે ક્લાસરૂમમાં બેસતાં પહેલાં વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરવામાં આવશે અને જે વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર વધારે જણાશે તો તેને અલગ રૂમમાં બેસાડીને પરીક્ષા આપવાની રહેશે.
રાજ્યની મોટા ભાગની શાળાઓ શરૂ થઈ ગઈ છે. જોકે વિદ્યાર્થી તેમજ શિક્ષકો માટે સ્કૂલમાં પ્રવેશતાં જ સરકારી ગાઈડલાઈન્સનું પાલન કરવું ફરજિયાત છે, જેમ કે એક બેન્ચ પર એક જ વિદ્યાર્થી, પ્રવેશ પહેલાં ટેમ્પરેચર ચેક કરવું તેમજ હાથ સેનિટાઈઝ કરવા તેમજ ફરજિયાત માસ્ક પહેરી રાખવું. ત્યારે હવે આગામી ૪ મેથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણથી દૂર રાખવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા સમયે જો કોઈ વિદ્યાર્થીને તાવ, શરદી, ખાંસી તેમજ ટેમ્પરેચર વધારે જણાશે તો તે વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડવામાં આવશે, જેથી અન્ય કોઈ વિદ્યાર્થીમાં સંક્રમણનો ભય ન રહે.
વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસે એ પહેલાં ગેટ બહાર જ તેમનું થર્મલગનથી ટેમ્પરેચર ચેક થશે તેમજ વિદ્યાર્થીને સંપૂર્ણપર્ણ સેનિટાઈઝ પણ કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીનું ટેમ્પરેચર ૯૯ કરતાં વધુ હશે તો તેવા વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડાશે. આ માટે રાજ્યની તમામ પરીક્ષા કેન્દ્રો પર એક અલગ રૂમ રાખવામાં આવશે, સાથે જ પરીક્ષા સમયે વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત છે. અને એ જ પ્રમાણે તમામની બેઠકો ગોઠવવામાં આવશે.