મુંબઈ : અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં મંગળવારે ૭૭ વર્ષની વયે નરેશ કનોડિયાનું અવસાન થયું હતું. નરેશ કનોડિયાને ૨૦ ઓકટોબરને મંગળવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં લવાયા હતા. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોવાથી હોસ્પિટલના કોરોના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. તેમણે ડાયાબિટીસની સાથે હૃદયની બાયપાસ સર્જરી કરાવેલી હતી. આઠ દિવસની સારવાર બાદ મંગળવારે મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરને કારણે મૃત જાહેર કરાયા હતા. એ પછી સાંજે પુત્ર હિતુ કનોડિયાના હસ્તે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નરેશ કનોડિયા ૨૦૦૨ અને ૨૦૦૭ વચ્ચે કરજણ બેઠકના ભાજપના ધારાસભ્ય રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ટોચના નેતાઓ, કલાકારોએ નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
રવિવારે તેમના મોટાભાઈ મહેશકુમારનું અવસાન થયું હતું. બંને ભાઈઓમાં અજીબ સ્નેહ હતો. નરેશ કનોડિયા સાથે ફિલ્મ બનાવી ચૂકેલી બોલિવૂડ ડિરેક્ટર જોડી અબ્બાસ-મસ્તાને ખાસ દિવ્ય ભાસ્કર માટે લખ્યું કે, હજુ બે-ત્રણ દિવસ પહેલાં જ હિતુ કનોડિયા સાથે વાત કરીને નરેશભાઈની તબિયત પૂછી હતી. અને આજે અચાનક આ દુઃખદ ખબર મળ્યા. થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગયા. અને જાણે નજર સામેથી એક ફલેશબૅક પસાર થઈ ગયો. ૮૦ના દાયકામાં અમે સંઘર્ષ કરી રહ્યા હતા. અમે મેહુલ કુમારની ફિલ્મ ‘મેરુ માલણ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. બ્રેક પડે ત્યારે અમે સૌ ક્રૂ મેમ્બર્સ સાથે મળીને લંચ લેતા હોઈએ ત્યારે નરેશભાઈ અચૂક આવતા અને એમની ચિરપરિચિત સ્ટાઇલમાં પૂછતા, ‘અરે ભાઈઓ જમવાનું બરાબર છે ને, કોઈને કશી તકલીફ તો નથીને?’ મેરુ માલણે તમામ રેકોર્ડ બ્રેક કર્યા. ફિલ્મની સફળતાએ આસમાનને સ્પર્શી લીધું હતું. પણ નરેશ કનોડિયાના પગ હંમેશા જમીન પર જ રહ્યા. મને આશ્ચર્ય થાય છે. ચિક્કાર સફળતા પછી પણ તેઓ પહેલા જેવા જ હતા.
ક્યારેય ઘમંડ કે એટીટ્યુટ નહીં. હંમેશા હળવી મસ્તી, મજાક કરતા. હા, નરેશભાઈની સેન્સ ઑફ હ્યુમર ગજબ હતી. સેટ પર તેમની એન્ટ્રી પડે એટલે આખું વાતાવરણ હળવુફૂલ થઈ જાય. દરેક ડિરેક્ટરના તેઓ ફેવરિટ હતા. કારણ કે નરેશભાઈ પાછળ બહુ મહેનત કરવી ન પડે. તેઓ ઝડપથી સીન, ડાન્સ સ્ટેપ્સ પકડી લેતા અને ભાગ્યે જ રિ-ટેક થાય. ૧૯૮૫માં અમે પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘સાજન તારા સંભારણા’ નરેશ કનોડિયા સાથે કરી. અમારી પહેલી ફિલ્મ હતી છતાં નરેશભાઈએ જે સહકાર આપ્યો તે આજે પણ યાદ છે. એ પછી અમે ‘મોતી વેરાણા ચોકમાં’ પણ કરી. નરેશભાઈ સખત એનજેર્ટિક હતા. એક વર્ષ પહેલા એવોર્ડ સમારંભ માટે અમદાવાદ આવ્યા ત્યારે તેમને મળ્યા હતા. ઈશ્વરને બસ એક જ દુઆ કે તેમના આત્માને શાંતિ આપે. બસ એટલું જ કહીશું…યસ નરેશ કનોડિયા વી વિલ મિસ યૂ.