નવસારી : નવસારીના વોર્ડ નંબર આઠમાં અખિલ હિંદ મહિલા સ્કૂલમાં બોગસ મતદાર પકડાયો છે. કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ શંકાના આધારે યુવકની પૂછપરછ કરતાં પરપ્રાંતીય યુવાન બોગસ મતદાન કરવા આવ્યો હોવાનું બહાર આવ્યું છે. નવસારી જિલ્લા પંચાયતમાં અત્યારસુધીમાં ૮.૫૫ અને ડાંગમાં ૯.૨૨ ટકા મતદાન થયું છે. નવસારી જિલ્લામાં સૌથી વધુ વાંગણમાં ૧૨.૬૮ ટકા અને ડાંગમાં બરડામાં ૧૪.૩૭ ટકા મતદાન થયું છે.
નવસારીના વોર્ડ નંબર ૧૨ના એક બુથમાં છેલ્લા દોઢ કલાકથી ઇવીએમમાં ખામી સર્જાતા મતદારો અકળાયા હતા. જ્યારે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિત અનેક મતદારો વોટિંગ કરવાથી વંચિત રહ્યા છે. ઇવીએમના બટનને અનેકવાર પ્રેસ કરવા છતાં તે કામ કરતું નથી, જેને લઈને ટેક્નિકલ સ્ટાફ દોડતો થયો છે. આ મામલે રાજકીય આગેવાનોએ અનેક ફરિયાદ કરવા છતાં પણ ટેકનિકલ સ્ટાફ પણ એ પ્રશ્નો સોલ્વ કરી શક્યા નથી.