પરીક્ષાઓમાં મોડું થયું તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત થશે…
ન્યુ દિલ્હી : NEET-JEEની પરીક્ષાઓને લઈને દેશ-વિદેશ યુનિવર્સિટીના ૧૫૦ શિક્ષકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે આ પરીક્ષાઓમાં વધુ મોડું થયું તો તે વિદ્યાર્થીઓના કેરિયરની સાથે સમાધાન થશે. કેટલાક લોકો તેમના રાજકીય એજન્ડના પગલે વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે રમત રમી રહ્યાં છે.
ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે, યુવા અને વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે, પરંતુ કોરોના મહામારીના કારણે તેમની કેરિયર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. એડિ્મશન અને ક્લાસ વિશે બહુ જ આશંકાઓ છે જે ઝડપથી દૂર કરવી જરૂરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો વિદ્યાર્થીઓએ ૧૨મું ધોરણ પાસ કર્યું છે, પરંતુ અત્યારે ઘરે બેસીને રાહ જોઈ રહ્યા છે કે, આગળ શું થશે અને શું કરવાનું છે.
સરકાર NEET-JEE પરીક્ષાઓની તારીખની જાહેરાત કરી ચૂકી છે. હવે જો તેમાં મોડું થશે તો વિદ્યાર્થીઓનું એક કિમતી વર્ષ બરબાદ થઈ જશે. યુવાનોના સપના અને ભવિષ્ય સાથે કોઈ પણ કિંમતે સમજૂતી ન થવી જોઈએ. અમને ચોક્કસ વિશ્વાસ છે કે, સરકારે NEET-JEE પરીક્ષાઓ સુરક્ષા સાથે કરવામાં સફળ રહેશે અને ૨૦૨૦-૨૧નું એકેડેમિક કેલેન્ડર પણ જાહેર કરી દેવામાં આવશે.