વેલિંગટન : પ્રવાસી પાકિસ્તાન સામે રમાનારી ટી૨૦ સિરીઝ માટેની ન્યૂઝીલેન્ડની ટી૨૦ ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. શનિવારે જાહેર થયેલી ટીમમાં કેન વિલિયમ્સન અને ટ્રેન્ટ બોલ્ટને સામેલ કરાયા છે. આ બંને ખેલાડી ત્રણ મેચની સિરીઝની અંતિમ બે મેચ માટે ઉપલબ્ધ રહેશે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી૨૦ સિરીઝની પહેલી મેચ ૧૮મી ડિસેમ્બરે રમાશે તો બીજી મેચ ૨૦મીએ અને ત્રીજી મેચ ૨૨મી ડિસેમ્બરે રમાશે. જોકે આ ટીમમાં રોઝ ટેલરની પસંદગી કરાઈ નથી. પહેલી ટી૨૦ મેચ માટે મિચેલ સેન્ટનરને કેપ્ટન તરીકે નીમવામાં આવ્યો છે. આ ટીમમાં ગ્લેન ફિલિપ્સ અને ડેવોન કોનવેને ટીમમાં સામેલ કરાયા છે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું હતું કે વેસ્ટ ઇન્ડિઝ સામે હાલમાં ટીમ વેલિંગ્ટનમાં બીજી ટેસ્ટમાં રમી રહી છે અને તેના ત્રણ જ દિવસ બાદ ટી૨૦ મેચ રમાનારી છે. વિલિયમ્સન, બોલ્ટ, કાયલ જેમિસન. ટિમ સાઉથી અને ડેરેલ મિચેલ બીજી અને ત્રીજી ટી૨૦ મેચમાં ઉપલબ્ધ રહેશે. પસદગીકાર ગેવિન લાર્સને જણાવ્યું હતું કે તેમના માટે આ પસંદગી કરવી ખૂબ અઘરી રહી હતી કેમ કે ઇજા, ફોર્મ અને ઉપરાઉપરી સિરીઝને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરવાની હતી. વિલિયમ્સન અને બોલ્ટ ટીમમાં પરત ફરી રહ્યા છે તે સારી બાબત છે. જોકે કેન વિલિયમ્સનની પત્ની બાળકને જન્મ આપવાની છે અને એ સમયે તે ટીમથી અલગ થઈ શકે છે. આ સંજોગોમાં વિલિયમ્સનના સ્ટેન્ડ બાય તરીકે માર્ક ચેપમેનને તૈયાર રાખવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડની ટી૨૦ ટીમઃ પ્રથમ મેચ માટેની ટીમ : મિચેલ સેન્ટનર (સુકાની), ટોડ એસ્ટલ, ડગ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકોબ ડફી, માર્ટિન ગુપટિલ, સ્કોટ કુગ્લેજિન, જીમી નિશમ, ગ્લેન ફિલિપ્સ, ટીમ સેફર્ટ, ઇશ સોઢી, બ્લેર ટિકનેર.
બીજી અને ત્રીજી ટી૨૦ માટેની ટીમ : કેન વિલિયમ્સન (સુકાની), ટોડ એસ્ટલ, ટ્રેન્ટ બોલ્ટ, ડેવોન કોનવે, માર્ટિન ગુપટિલ, કાયલ જેમિસન, સ્કોટ કુગ્લેજિન, જીમી નિશમ, જેરેલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, ટીમ સેફર્ટ, ઇશ સોઢી, ટિમ સાઉથી.