વિધાનસભા ચૂંટણી પહેલાં આપનો પંજાબમાં મોટો દાવ…
ચંડીગઢ : આમ આદમી પાર્ટીએ પંજાબમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીવાળો દાવ રમ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચંદીગઢમાં એક રેલી કરી. આ દરમિયાન તેમણે ૩ મોટા વાયદા કર્યા. કેજરીવાલના વાયદા પ્રમાણે, પહેલો- પંજાબમાં આમ આદમી પાર્ટી લોકોને ૩૦૦ યુનિટ વીજળી ફ્રી આપશે, બીજો- જૂના ઘરેલૂ વિજળી બિલ માફ કરાશે અને ત્રીજો- ૨૪ કલાક પાવર સપ્લાય આપશે. કેજરીવાલે કહ્યું કે, ગરીબોના વીજળી બિલ ૭૦ હજાર રૂપિયા આવી રહ્યા છે. તેમનો શું વાંક છે? કનેક્શન કાપી દેવામાં આવે છે. તેમને સન્માન આપવામાં આવશે અને કનેક્શન જોડવામાં આવશે.
તેમણે કહ્યું કે, “જૂના ઘરેલૂ વીજળી બિલ માફ કરાશે. ૩૦૦ યુનિટ ફ્રી વીજળીથી ૮૦ ટકા લોકોનું વીજળી બિલ ઝીરો થઈ જશે. આ કેજરીવાલની ગેરંટી છે, કેપ્ટનના વાયદા નહીં. તેમના વાયદા ૫ વર્ષમાં પુરા ના થયા. અમારી સરકાર જેવી બનશે, ૩૦૦ યુનિટ વીજળી અને જૂના વીજળી બિલ માફ થશે. ૨૪ કલાક વીજળી આપવામાં સમય લાગશે.” કેજરીવાલે પંજાબ રવાના થતા ટ્વીટ કર્યું કે, ‘પંજાબ માટે આ નવી સવાર છે. આગામી કેટલાક કલાક હું તમારી વચ્ચે હાજર રહીશ.’
કેજરીવાલનો આ વાયદો ત્યારે સામે આવ્યો છે, જ્યારે કૉંગ્રેસ હાઈકમાન્ડે કેપ્ટન અમરિંદર પર ફ્રી વીજળી આપવાના વાયદા માટે દબાવ બનાવ્યો છે. કૉંગ્રેસ ઇચ્છે છે કે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વીજળી મફત આપવામાં આવે. ત્યારબાદ આપે પણ વીજળી અને મોંઘવારીને લઇને પોતાની ચૂંટણી સ્ટ્રેટજી તૈયાર કરી છે. પંજાબમાં વીજળીના બિલ ઘણા વધારે આવી રહ્યા છે. આનો વિરોધ સરકારી અને બિન-સરકારી કર્મચારીઓની સાથે સાથે વિપક્ષી દળોએ પણ કર્યો છે.