Charotar Sandesh
ગુજરાત

પક્ષબદલું બ્રિજેશ મેરજાએ ભાંગરો વાટ્યો : સી આર પાટીલને કૉંગ્રેસના નવા પ્રમુખ ગણાવ્યા…

મોરબી : કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોનો કૉંગ્રેસ પ્રેમ હજુ ઉતર્યો નથી. આવો જ એક બનાવ મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા સાથે બન્યો છે. મેરજાએ તાજેતરમા જ રાજ્યમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસને અલવિદા કરી અને ભાજપનો કેસરિયો પહેરી લીધો છે. જોકે, કૉંગ્રેસમાં કામ કર્યુ અને કાર્યકર હોવાના કારણે તેમનો કૉંગ્રેસ પ્રેમ હજુ ઉતર્યો નથી. દરમિયાન તેમણે મોરબી કૉંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાવાના કાર્યક્રમ બાદ યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં શબ્દોના ગુંચવાડા ઊભા કર્યા હતા. મેરજાએ ભાંગરો વાટતા સોશિયલ મીડિયા પર રમૂજ થઈ હતી. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને કૉંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ ગણાવ્યા હતા. મેરજા કહ્યું હતું કે કૉંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ સીઆર પાટીલ સાહેબની આગેવાનીમાં કૉંગ્રેસના આગેવાનો કમળ ખીલવશે.
તેમણે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે ’ભાજપના નેજા હેઠળ કૉંગ્રેસના આગેવાનો કમળ ખીલવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.’ આ ઉપરાંત મેરજાએ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને ગણાવ્યા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. આમ કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓને કૉંગ્રેસ એવી ગોખાયેલી છે કે બોલવામાં થોડી સમસ્યા સર્જાય છે.

અગાઉ કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ ભાજપના ગૃહ મંત્રી અમિત શાહને અમિત ચાવડા ગણાવ્યા હતા. તો ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ પણ કૉંગ્રેસ પ્રમુખનો આભાર માન્યો હતો. તે સમયે મેરજા પણ ભાજપના તત્કાલિન પ્રમુખ વાઘાણીને કૉંગ્રેસના પ્રમુખ ગણાવી તેનો આભાર માની લીધો હતો. આમ રાતોરાત પક્ષપલટો કરનારા નેતાઓના મોઢેથી કૉંગ્રેસની બોલી હજુ છુટતી નથી. ત્યારે પ્રજા વચ્ચે તેમને નવી ઓળખ સ્થાપિત કરવામાં કેવી સમસ્યાઓ થશે અને પ્રજા તેમના પરિવર્તનને કેટલા અંશે સ્વીકારશે તે તો રાજ્યની ૮ બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાય પછી જ જાણી શકાશે.

Related posts

સુરતના કલેક્ટરની અપીલ, ઓક્સિજન ડિમાન્ડ વધશે તો વ્યવસ્થા મુશ્કેલ બનશે…

Charotar Sandesh

તેજસ ટ્રેનના ઉદ્ઘાટન પહેલા રેલ યુનિયનનો વિરોધ, ૧૮ની અટકાયત…

Charotar Sandesh

ભરૂચના ગોલ્ડન બ્રિજ પર પુનઃ એકવાર પિક અવર્સમાં ટ્રાફિક જામ થતા વાહનચાલકો અટવાયા…

Charotar Sandesh