Charotar Sandesh
વર્લ્ડ

પાકિસ્તાનના કરાચીમાં બોમ્બ બ્લાસ્ટ : ૫ના મોત, ૧૫થી વધુ ઇજાગ્રસ્ત…

એક જ વિસ્તારમાં ૨૪ કલાકમાં બીજો બ્લાસ્ટ…

કરાચી : પાકિસ્તાનમાં હાલ હાલત સામાન્ય નથી. નવાઝ શરીફના જમાઈની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ઠેર ઠેર હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં સેના અને સરકાર સામે લોકોનો ગુસ્સો ઉભરી આવ્યો છે. તેવામાં કરાચીમાં ગૃહ યુદ્ધની અફવા પણ સોશિયલ મીડિયામાં ઉઠી છે. ત્યારે કરાચીથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના કરાચીમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે. અને પ્રાથમિક જાણકારી અનુસાર આ બ્લાસ્ટમાં ૫ લોકોનાં મોત અને ૧૫ લોકોને ઈજા પહોંચી છે.
પાકિસ્તાનના કરાચીના ગુલશન-એ-ઈકબાલમાં મસકન ચૌરંગીમાં બે માળની ઈમારતમાં વિસ્ફોટ થયો હતો. જેમાં ૫ લોકોનાં મોત અને ૧૫ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સ્થાનિક મીડિયા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. બ્લાસ્ટને કારણે આસપાસની બિલ્ડીંગની બારીઓનાં કાચ પણ તૂટી ગયા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
હજુ સુધી વિસ્ફોટનું કારણ જાણવા મળ્યું નથી. પણ સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ બોમ્બ બ્લાસ્ટ નહીં પણ સિલિન્ડર બ્લાસ્ટ લાગી રહ્યો છે. તેઓએ કહ્યું કે બોમ્બ સ્ક્વોડ પણ બ્લાસ્ટનું કારણ જાણવા માટે તપાસ માટે આવી રહી છે. હાલ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. અને સમગ્ર વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે.
સાક્ષીઓ કહ્યું કે, બ્લાસ્ટને કારણે આસપાસની બિલ્ડીંગમાં પણ બારીઓ તૂટતાંની સાથે અમુક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત રોજ કરાચીના શીરિન જિન્ના કોલોનીની પાસે એક બસ ટર્મિનલના પ્રવેશદ્વાર પર બોમ્બ વિસ્ફોટ થતાં પાંચ લોકો ઘાયલ થયા હતા. પોલીસે કહ્યું કે, બસ ટર્મિનલના ગેટ પર આઇઇડી લગાવાયો હતો.

Related posts

બ્રિટન બાદ હવે જર્મનીમાં સખ્ત લોકડાઉન લાગુ : એન્જેલા મર્કલે કરી જાહેરાત…

Charotar Sandesh

કાતિલ કોરોના; ચીન કરતા પણ ઈટલીનો મૃત્યુઆંક વધુ – 3405

Charotar Sandesh

અમેરિકાએ એફ-૧૬ ફાઇટર પ્લેન મુદ્દે પાકિસ્તાનને બરાબર લતાડ્યું…

Charotar Sandesh