કેવડિયા : હાલ થોડા દિવસથી અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં ભારત પ્રવાસની ઘણી ચર્ચા થવા લાગી છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે. ૨૫મી ફેબ્રુઆરીનાં રોજ ડોનાલ્ડ ટ્ર્મ્પ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઇ શકે છે. હાલ તંત્રએ પણ ખાનગીમાં તૈયારીઓનો આરંભી દીધી છે.
.ચર્ચા એવી પણ થઇ રહી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ અમદાવાદમાં થઇ શકે છે. મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ પર ‘હાઉડી મોદી’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ટેક્સસ રાજ્યના હ્યુસ્ટનમાં થયેલા આ ખાસ કાર્યક્રમમાં પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મંચ શેર કર્યું હતું. તેમને જોવા માટે લગભગ ૫૦ હજાર લોકો પહોંચ્યા હતા. હવે આવો જ એક કાર્યક્રમ ટ્ર્મ્પના ભારત પ્રવાસ પર કરવામાં આવશે. ફેબ્રુઆરીમાં યોજાનાર આ કાર્યક્રમને હાલ ગુજરાતી નામ આપવામાં આવ્યું છે ’કેમ છો ટ્રમ્પ.’ આ કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં થશે.
જોકે સૂત્રોથી ખબર પડી છે કે, અમેરિકા ઇચ્છે છે કે, આ ઇવેન્ટને દિલ્હી-એનસીઆરમાં કરાવવામાં આવે. કહેવામાં આવી રહ્યું છે કે, ભારત પ્રવાસ પર ટ્રમ્પ દિલ્હીથી બહાર ક્યાંય જવાના મૂડમાં નથી. કારણ કે તેમની પાસે વધારે સમય નથી.