ત્રણેય આતંકી અંસાર ગઝવા અલ હિન્દ સંગઠનના હોવાનો ખુલાસો…
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે મંગળવાર મોડી રાત્રે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ દરમિયાન ઘણા લાંબા સમય સુધી ફાયરિંગ ચાલતું રહ્યું. આતંકવાદીઓની પાસે ભારે માત્રામાં હથિયાર હતા જેના કારણે તેઓ સતત ફાયરિંગ કરી રહ્યા હતા.
આતંકવાદી જ્યાં છુપાયેલા હતા તે વિસ્તારને સુરક્ષાદળોએ પૂરી રીતે ઘેરી લીધો. ત્યારબાદ ત્રણ આતંકવાદીઓને ઢાળી દીધા. હજુ પણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કદાચ અન્ય આતંકવાદીઓ છુપાયા હોઈ શકે છે.
ત્રાલમાં ઠાર મરાયેલા આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. ત્રણેય આતંકવાદીઓ આતંકવાદી સંગઠન અંસાર ગઝવા અલ હિન્દના હોવાનું બહાર આવ્યું છે. ઠાર મરાયેલા આતંકવાદીઓના નામ છે જંગીર રફીક વાણી, રાજા ઉમર મકબૂલ બટ અને ઉઝૈર અમીન બટ.
આ પહેલા ૫ ફેબ્રુઆરીએ શ્રીનગરમાં આતંકવાદીઓએ સીઆરપીએફની એક ગાડીને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. ત્યારબાદ થયેલા એન્કાન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એન્કાઉન્ટરમાં ઘાયલ એક આતંકવાદીનું બાદમાં મોત થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક સીઆરપીએફ જવાન શહીદ થયો હતો. આ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનનું નામ જીડી રમેશ રંજન હતું. તે બિહારના આરા જિલ્લાનો રહેવાસી હતો.
આ હુમલો શ્રીનગરના પારિમ પોસ્ટની પાસે થયો. શ્રીનગર બારામૂલા રોડ પર બુધવારે આતંકવાદીઓએ સીઆરપીએફ અને પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. શ્રીનગરના લાવેપોરા વિસ્તારના પરીમ પોરા ચેકપોસ્ટ પર અચાનક ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ સીઆરપીએફ જવાનોએ તાત્કાલીક મોરચો સંભાળી લીધો હતો.