રાજય સરકાર પારદર્શિતા અને સંવેદનશીલતાથી ગુડ ગવર્નન્સની દિશામાં કાર્યરત છે ખેડૂતો – કૃષિ અને કૃષિ સંલગ્ન ક્ષેત્રોના વિકાસ માટે રાજય સરકાર કટિબધ્ધ : કૃષિ રાજય રાજય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર
કિસાન કલ્યાણ કાર્યક્રમમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ અને ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત લાભાર્થીઓને સાધન-સહાયનું વિતરણ કરાયું…
આણંદ : રાજયના કૃષિ રાજય મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે રાજય સરકાર પારદર્શિતા અને સંવેદનશીલતાથી ગુડ ગવર્નન્સની દિશા તરફ આગળ વધી રહી હોવાનું કહ્યું હતું. તેમણે રાજયના નાગરિકોને ઘરે બેઠાં જ ઓનલાઇન કામ થઇ જાય તેવી પારદર્શી પરિસ્થિતિનું રાજય સરકારે નિર્માણ કર્યું હોવાનું જણાવ્યું હતું.
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વ. અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ સુશાસન દિવસ ગુડ ગર્વનન્સ ડે અન્વયે ગુજરાતમાં ર૪૮ તાલુકા મથકોએ કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજવામાં આવ્યા તે અંતર્ગત આજે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ધરતીપુત્રોને કૃષિ કલ્યાણલક્ષી વિવિધ લાભો અને ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત વિવિધ સાધન-સહાયનું વિતરણ કરતાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે અટલબિહારી વાજપેયજીની વંદન કરતાં રાજય સરકાર ખેડૂતો, કૃષિ અને કૃષિ સંલગ્ન ક્ષેત્રોના વિકાસ માટે કટિબધ્ધ હોવાનું કહ્યું હતું.
મંત્રી શ્રી પરમારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ કૃષિ અને કૃષિ સંલગ્ન ક્ષેત્રોનો અવિરત વિકાસ થતો થતો રહે અને ખેડૂતો તેમજ ગુજરાત સમૃધ્ધ બને તે દિશામાં સતત ચિંતન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
શ્રી પરમારે કૃષિ અને કૃષિ સંલગ્ન ક્ષેત્રે આજે ગુજરાતે વિકસીત અને મજબૂત રાજયની આગવી ઓળખ પ્રસ્થાપિત કરીને અન્ય રાજયો માટે દીવાદાંડી રૂપ બની હોવાનું જણાવી રાજય સરકારે ખેડૂતોના ઉત્કર્ષ માટે અમલમાં મૂકેલ અનેકવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી.
મંત્રીશ્રીએ ખેતી અને ખેડૂતોની ઉન્નતિ માટે પ્રાકૃતિક કૃષિ એક મજબૂત વિકલ્પ હોવાનું જણાવી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિમાં નહીવત કૃષિ ખર્ચ અને વધુ ઉત્પાદન ઉપરાંત ઝેરમુકત કૃષિ ઉત્પાદનોના વધુ ભાવ મળતા હોવાથી પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે સમૃધ્ધિના દ્વારા ખોલનારી બની રહેશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોએ નવી દિલ્હીથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના તથા રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિલ્હી ખાતેથી સમગ્ર ભારતના ખેડૂતોના ખાતામાં આજે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિ યોજના અંતર્ગત
રૂા. ૨૦૦૦/- લેખે અંદાજે રૂા. ૧૮ હજાર કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવ્યા હતા.
આ પ્રસંગે મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. વી. વ્યાસ, જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ અને જિલ્લા અગ્રણી શ્રી વિપુલભાઇ પટેલના હસ્તે સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ખેતીવાડીની વિવિધ યોજનાઓ જેવી કે પાક સંગ્રહ સ્ટ્રકચર, માલવાહક વાહન, પ્રાકૃતિક ખતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય, પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારૂં કીટમાં સહાય, ફાળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી અને પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવા માટેની સહાય તથા ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત માનવ કલ્યાણ યોજના હેઠળના લાભાર્થીઓને વિવિધ સાધન-સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે લીલાવતીબેન રબારી અને પારૂલબેન પટેલને શ્રેષ્ઠ પશુપાલનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આણંદ જિલ્લામાં આવેલ તાલુકાઓમાં પણ આજ રીતે કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
તદ્અનુસાર બોરસદ જલારામ મંદિર ખાતે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલના હસ્તે, આંકલાવ ખાતે આંકલાવના મધુસુદન હોલમાં વડોદરા-અકોટાના ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મૌહિલના હસ્તે, ઉમરેઠ ખાતે બારગામ પાટીદાર સમાજની વાડીમાં ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પરમાર અને અમદાવાદ-નિકલોના ધારાસભ્ય શ્રી જગદીશભાઇ વિશ્વકર્માના હસ્તે સોજિત્રા તાલુકાના દેવાતજના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઇ પટેલના હસ્તે, પેટલાદ ખાતે રંગાઇપુરાની વેસ્ટર્ન હાઇસ્કૂલમાં પૂર્વ સાંસદ શ્રી દિપકભાઇ પટેલ (સાથી) અને પૂર્વ મંત્રી શ્રી સી.ડી.પટેલના હસ્તે ખંભાત બ્રહમભટ્ટ વાડી ખાતે ધારાસભ્ય શ્રી મહેશભાઇ રાવલના હસ્તે અને તારાપુર સાર્વજનિક હાઇસ્કુલ ખાતે પૂર્વ સાંસદ શ્રી લાલસિંહ વડોદરિયા અને પૂર્વ ધારાસભ્ય શ્રી અંબાલાલ રોહિત સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને વિવિધ સાધન-સહાયનું વિતરણ કરીને ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વ. અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ સુશાસન દિવસ ગુડ ગર્વનન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર અને ઉપસ્થિત મહાનુભાવોએ કોરના વિષયક, ઇ-સેવા સેતુ અને કૃષિ ફિલ્મ નિહાળી હતી.
મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર અને સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ સહિત મહાનુભાવોએ આણંદ ખાતે લોટેશ્વર તળાવ ખાતે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વ. અટલબિહારી વાજપેયીજીની પ્રતિમાને તેમના જન્મદિવસે પુષ્પામાળા અર્પણ કરી વંદન કરી ભાવાંજલિ અર્પી હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે જિલ્લાને ફાળવવામાં આવેલ પશુ દવાખાના વાહનને તથા કિસાન પરિવહન યોજના અંતર્ગત ગુડઝ કેરેજ વાહનને ફલેગ ઓફ આપી હતી.
આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. વી. વ્યાસ, જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ, જિલ્લા અગ્રણી શ્રી વિપુલભાઇ પટેલ, પ્રાંત અધિકારી શ્રીમતી જે. સી. દલાલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ, લાભાર્થીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.