આણંદ / અમદાવાદ : પેન્ડીંગ કેસ મામલે જજને ફોન કરવા પર તેમની નૈતિક લાગણી દુભાતા ગુજરાત હાઈકોર્ટે સોમવારે ફોન કરનાર કોણ હતું કે તપાસ કરવા માટે આદેશ આપ્યો છે. આ સાથે એમ પણ જણાવ્યું હતું કે, ‘કોઈપણ ન્યાયના પ્રવાહને ખરાબ કરવાનો પ્રયાસ ન કરી શકે.’
ઘટના મુજબ, જસ્ટીસ બેલા ત્રિવેદીને સોમવારે સવારે આગોતરા જામીન અરજીના નિકાલ માટે ફોન આવ્યો હતો અને ફોન કરનારા વ્યક્તિએ પોતે પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ હોવાનું જણાવ્યું હતું. જજે તેમને તરત જ રોક્યા અને કહ્યું કે, તેમણે કેસ માટે ફોન નહોતો કરવો જોઈતો. આ બાદ તેમને એક મેસેજ પણ મળ્યો જેમાં વિજય શાહ નામના વ્યક્તિના પેન્ડીંગ કેસની ડિટેલ હતી. વિજય શાહને પેટલાદ શહેરમાં ૧લી મેએ લોકડાઉનનો ભંગ કરવા અને ડ્યુટી પર રહેલા પોલીસ પર હુમલો કરવાના આરોપમાં પકડાયો હતો.
પ્રાથમિક તપાસમાં આ મોબાઈલ નંબર ‘તોસિફ ફૈઝ ઝેરોક્ષ’ના નામે રજીસ્ટર્ડ હોવાનું સામે આવ્યું હતું. જજ આ ઘટનાથી ગુસ્સે થઈ ગયા હતા, અને જ્યારે અરજીની સુનાવણી કરી ત્યારે જસ્ટીસ ત્રિવેદીએ શાહના એડવોકેટ આશિષ દંગલીને પૂછ્યું કે, અરજદાર અને ધારાસભ્ય વચ્ચે શું સંબંધ છે. વકીલે હાઈકોર્ટને જણાવ્યું કે, કોઈ સંબંધ નથી. અડધા કલાક બાદ કોર્ટે કેસની સુનાવણી સાંભળવાનું નક્કી કર્યું હતું. સીનિયર વકીલ નિરુપમ નાણાવટીએ કોર્ટમાં હાજર થઈને સબમીટ કર્યું કે અરજદાર અને ધારાસભ્ય વચ્ચે કોઈ કનેક્શન નથી.
બીજી બાજુ ધારાસભ્યએ આવો કોઈ ફોન જજને કર્યો હોવાથી ઈનકાર કર્યો હતો. ધારાસભ્ય નિરંજનને જણાવ્યું કે, ‘હું છેલ્લા ૩૦ વર્ષોથી જાહેર જીવનમાં છું. હું જાણું છું કે આપણે જજને ફોન ન કરવો જોઈએ. હું જ્યારે અરજકર્તા કે કેસ વિશે કશું ન જાણતો હોય તો શા માટે હાઈકોર્ટના જજને ફોન કરું. કોઈએ મારા નામથી જજને ફોન કરીને મજાક કરી છે. આ ઘટનાની તપાસ થવી જોઈએ.’