અમદાવાદ : શહેરના સાબરમતી અને રાણીપ વિસ્તારમાં દેશી દારૂ સપ્લાઇ કરનાર બૂટલેગર ભૂપેન્દ્ર મારવાડીનો ૭૨૦ લિટર દેશી દારૂનો જથ્થો ડીસીપી ઝોન ૨ સ્ક્વોડની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ભૂપેન્દ્ર મારવાડીના કહેવાથી આરોપી મહેસાણાથી ગાડીમાં દારૂના થેલા ભરી સાબરમતી ડી-કેબિનથી કાળીગામ આવી ભીખા છારાને ત્યાં આપવા જતો હતો. રાત્રિ કર્ફ્યૂમાં ડીસીપી ઝોન ૨ સ્ક્વોડની ટીમે મોટો દારૂ ઝડપતાં સાબરમતી પોલીસની ચેકિંગની પોલ ખુલ્લી પડી ગઈ છે.
ડીસીપી ઝોન ૨ના વિજય પટેલની સ્ક્વોડને બાતમી મળી હતી કે સાબરમતી-રાણીપ વિસ્તારનો બૂટલેગર ભૂપેન્દ્ર મારવાડીએ મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મગાવ્યો છે અને સાબરમતી વિસ્તારમાં સપ્લાઇ કરવાનો છે, જેના આધારે સ્ક્વોડની ટીમે ડી-કેબિન ફાટકથી કાળીગામ રોડ પર વેરાઈ માતાના મંદિર પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી ગાડી આવતાં જ પોલીસે એને રોકી હતી. પોલીસે કારમાં તપાસ કરતાં મોટી ડેકીમાં અને આગળના ભાગે થેલા મળી આવ્યા હતા, જેમાં દેશી દારૂની પોટલીઓ ભરેલી હતી. કારચાલકનું નામ પૂછતાં વીરેન્દ્ર દંતાણી (રહે. હાઉસિંગ બોર્ડ, ચાંદખેડા) હોવાનું જણાવ્યું હતું.