-
રાજ્યના કુલ 432 પોઝિટિવ કેસમાંથી 367 લોકલ ટ્રાન્સમિશન
-
જુહાપુરામાં પોલીસ પર પથ્થરમારા મામલે 50 લોકોના ટોળા સામે ફરિયાદ, 25ની ધરપકડ
ગાંધીનગર. રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. એક વ્યક્તિ અનેકને સંક્રમિત કરી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકડાઉનનો ભંગ ચલાવી શકાય તેમ નથી. કોઇપણ સંજોગોમાં પોલીસ લોકડાઉનનું પાલન કરાવશે. લોકડાઉનનનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અને મેડિકલ ટીમ પર હુમલો કરનાર સામે પાસા સહિતના આકરા પગલા લેવામાં આવશે. શાકમાર્કેટ, બેન્કો અને દુકાનોમાં ડ્રોનથી સર્વેલન્સ રાખવામાં આવશે તેમ રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.
કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં નવા 54 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 31 કેસ અમદાવાદમાં, 18 કેસ વડોદરામાં, 3 કેસ આણંદમાં, સુરત અને ભાવનગરમાં 1-1 નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 432એ પહોંચ્યો છે. જ્યારે 19 લોકોના મોત નીપજ્યા છે. તો 34 લોકો સાજા થયા છે. આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. નોંધનીય છેકે, ક્લસ્ટર કરવામા આવેલા વિસ્તારોની સાથે સાથે હવે ભરૂચ જેવા નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1593 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 124 પોઝિટિવ અને 1187 નેગેટિવ આવ્યા છે, જ્યારે 282 ટેસ્ટ પેન્ડિંગ છે.