ન્યુ દિલ્હી : કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિ્વટ કરીને જાણકારી આપતા કહ્યું હતું કે, આજે મેં દિલ્હી એઈમ્સમાં કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. સાથે જ તેમણે યોગ્યતા ધરાવતા લોકોને વેક્સીનના ડોઝ લેવાની અપીલ કરતા કહ્યું છે કે, ટીકાકરણ આપણી પાસે કોરોના વાયરસને હરાવવામાં સૌથી સારી રીતમાંની એક છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીન ‘કોવેક્સીનનો બીજો ડોઝ પણ પોડુચેરીની સિસ્ટર નિવેદાએ આપી હતી. તે સાથે જ પંજાબની નર્સ નિશા શર્મા પણ હાજર રહી હતી. સિસ્ટર નિવેદાએ કહ્યું હતું કે, મને બીજી વાર પ્રધાનમંત્રીને મળવાની તક મળી જેથી હું ખુશ છું. મેં તેમની સાથે ફોટો પણ લીધો હતો.
નર્સ નિશા શર્માએ કહ્યું હતું કે, આજે સવારે જ અમને જાણવા મળ્યું હતું કે, પ્રધાનમંત્રીને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવાનો છે. આ જાણી ખુબ જ આનંદ થયો. નિશાએ કહ્યું હ્તું કે, પીએમ મોદીએ અમને પુછ્યું હ્તું કે તમે ક્યાંથી છો? તેમણે અમારી સાથે વાતો કરી હતી અને સેલ્ફી પડાવી હતી. મને ગર્વ છે કે મને પીએમ મોદીને મળવાનો મોકો મળ્યો.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ ૧લી માર્ચે લીધો હતો. તે દિવસે પણ તેઓ વહેલી સવારે અચાનક જ દિલ્હી સ્થિત એઈમ્સ પહોંચ્યા હતાં. તેમણે ભારત બાયોટેકની ‘કોવેક્સીન’ લગાવી હતી. દિલ્હી સ્થિત એઈમ્સમાં કામ કરનારી પુડુચેરીની નર્સ પી નિવેદાએ પીએમ મોદીને કોરોનાની વેક્સીનનો પહેલો ડોઝ આપ્યો હતો.