૭૩૬૪ કિમીનું અંતર કાપશે, અબુધાબીના એરબેઝ પર બ્રેક લેશે રાફેલ…
ન્યુ દિલ્હી : અત્યાધુનિક મિસાઇલો અને ઘાતક બોમ્બથી લેસ ભારતીય વાયુસેનાના સૌથી ઘાતક ફાઇટર જેટ રાફેલ આજે ફ્રાન્સથી ભારત માટે રવાના થઇ ગયા. કહેવાય છે કે કુલ ૫ રાફેલ ભારત માટે રવાના થયા છે. ચીન અને પાકિસ્તાનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે આ ફાઇટર જેટ ભારત માટે રવાના થયા તે ખૂબ જ અગત્યનું મનાય છે. રાફેલ વિમાનો રવાના થતા પહેલાં ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે આ રાફેલ વિમાનો અને ઇન્ડિયન એરફોર્સના જાબાંજ પાયલટોની તસવીર પણ શેર કરી છે.
આ વિમાન ૨૯મી જુલાઇના રોજ અંબાલામાં એરફોર્સમાં સામેલ કરાશે. સૂત્રોના મતે એક સપ્તાહની અંદર જ આ વિમાનોને કોઇપણ મિશન માટે તૈયાર કરી લેવાશે. આ ફાઇટર જેટને ઉડાડવા માટે કુલ ૧૨ પાયલટોને ટ્રેનિંગ અપાઇ છે. દુનિયાના સૌથી ઘાતક મિસાઇલો અને સેમી સ્ટીલ્થ ટેકનોલોજીથી લેસ આ વિમાનોને ભારતીય વાયુસેનામાં સામેલ થવાથી દેશની સામરિક શક્તિમાં જબરદસ્ત વધારો થશે. ભારત આવનાર રાફેલ ફાઇટર જેટસમાં દુનિયાની સૌથી આધુનિક હવાથી હવામાં માર કરનારી મીટિઆર મિસાઇલ પણ જોડાયેલી હશે.
રાફેલ જેટ ફ્રાન્સના મેરિજનાકથી ભારત ઉડીને આવશે. ભારતીય વાયુસેનાએ તેના માટે પૂરી યોજના તૈયાર કરી લીધું છે, કારણ કે રસ્તામાં આ ફાઇટર જેટ કેટલાંય દેશોની સરહદોને પાર કરીને ભારતના જામનગર પહોંચશે. રાફેલ વિમાન ફ્રાન્સથી ભારત સુધીની સફર પૂરી કરવા દરમ્યાન લગભગ ૧૦૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી ઉડાન ભરશે. જો કે રાફેલની વધુમાં વધુ સ્પીડ ૨૨૨૨ કિલોમીટર પ્રતિ કલાકની છે.
આ ભારતીય રાફેલ વિમાન ફ્રાન્સથી ઉડીને અબુધાબીના અલ ધાફરામાં આવેલા એરબેઝ પર ઉતરશે. અંદાજે ૧૦ કલાકની આ યાત્રા દરમ્યાન હવામાં તેલ ભરવા માટે બે વિમાન તેમની સાથે રહેશે. આ વિમાન રાત્રે થોભ્યા બાદ ફરીથી ભારત માટે રવાના થશે. આ યાત્રા દરમ્યાન બે વખત હવામાં તેલ ભરાશે. પાયલટોને હવામાં તેલ ભરવાની ટ્રેનિંગ પણ અપાશે. ભારતમાં પહોંચ્યા બાદ આ વિમાન અંબાલા એરફોર્સ સ્ટેશન પહોંચશે. રાફેલના પહેલાં બેડાને ૧૭ ગોલ્ડન એરો સ્ક્વાડ્રનના પાયલટ ઉડાડશે. તેમની ટ્રેનિંગ પણ ફ્રાન્સમાં પૂરી થઇ ચૂકી છે.