ટિ્વટર પર અત્યાર સુધીનો સૌથી મોટો ‘સાયબર અટેક’
તમામ એકાઉન્ટ્સને હેક કરી બિટકોઈનના પ્રમોશનને લગતો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો, હૈકરોની પોસ્ટમાં એક ના ડબલ કરવાની કરવાની વાત…
USA : હેકર્સે દુનિયાના દિગ્ગજ નેતાઓ, જાણીતી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કંપનીઓના ટિ્વટર હેન્ડલ હેક કરી લીધા છે. બુધવારે હેકર્સે જેમાં ટિ્વટર એકાઉન્ટ હેક કર્યાં તેમાં માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ, ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક, અમેરિકાના રેપર કાન્યે વેસ્ટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા , ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ, વોરેન બફેટ, એપલ, ઉપર સહિત અનેક મહત્વના એકાઉન્ટ હેક કરવામાં આવ્યાં છે. એકાઉન્ટ હેક કરીને તેના પર એક ખાસ પ્રકારના સંદેશ પોસ્ટ કરવામાં આવ્યાં છે. સંદેશાથી સ્પષ્ટ છે કે ક્રિપ્ટોકરન્સી સ્કેમના હેતુથી જ આવું કરાયું છે. જો કે ટિ્વટ તાબડતોબ ડિલિટ કરી દેવામાં આવી હતી. એમેઝોનના કો ફાઉન્ડર જેફ બેજોસના એકાઉન્ટથી પણ આવા મેસેજ કરાયા.
હેકર્સ તેમના એકાઉન્ટથી ટિ્વટ કરી રહ્યાં છે અને બિટકોઈન માંગી રહ્યાં છે. હેકર્સે માઈક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સના ટિ્વટર એકાઉન્ટથી ટિ્વટ કરીને કહ્યું કે ‘દરેક જણ મને પાછા આપવાનું કહી રહ્યાં છે અને હવે સમય આવી ગયો છે. હું આગામી ૩૦ મિનિટ સુધી બીટીસી એડ્રસ પર મોકલવામાં આવેલા તમામ પેમેન્ટને બમણું કરી રહ્યો છું. તમે મને એક હજાર ડોલર મોકલો અને હું તમને બે હજાર ડોલર પાછા મોકલીશ.’
એપલના એકાઉન્ટથી લખવામાં આવ્યું કે અમે તમને લોકોને ઘણું બધુ આપવા માંગીએ છીએ. આશા છે કે તમે સપોર્ટ કરશો. તમે જેટલા પણ બિટકોઈન મોકલશો તેને ડબલ કરીને પાછા અપાશે. આ ફક્ટ ૩૦ મિનિટ માટે જ છે.
એલન મસ્કના એકાઉન્ટથી મેસેજ શેર કરાયો કે કોવિડ ૧૯ના કારણે હું લોકોના બિટ કોઈન ડબલ કરી આપું છું. આ બધા સુરક્ષિત છે. અમેરિકાના રાજકારણ સાથે જોડાયેલી અનેક મોટી હસ્તીઓના ટિ્વટર એકાઉન્ટને હેક કરીને પણ આ રીતે મેસેજ કરાયા. જેમાં બરાક ઓબામા અને જો બિડનના નામ સામેલ છે. જો કે પોસ્ટ થયાના ગણતરીની મિનિટોમાં જ જો કે આ ટિ્વટ્સ ડિલિટ થઈ ગઈ છે. હજુ પણ એ જાણ નથી થઈ કે આખરે આટલી જાણીતી હસ્તીઓના ટિ્વટર એકાઉન્ટને કોણે નિશાન બનાવ્યાં છે.
આ સમગ્ર ઘટના બાદ ટિ્વટરે કહ્યું કે અમને ટિ્વટર એકાઉન્ટ હાઈજેક થવાની જાણકારી છે. હાલ અમે આ મામલે તપાસ કરી રહ્યાં છે. આ સાથે જ તેને ઠીક કરવા માટે પગલાં ભરી રહ્યાં છીએ. અમે જલદી બધાને અપડેટ આપીશું. આ બાજુ હેકિંગની ઘટના બાદ ટિ્વટરે તરત જ ટિ્વટ અને રિટિ્વટ ફંક્શનને ડિસેબલ કરી નાખ્યું. ટિ્વટરે કહ્યું કે અમે આ મામલે સમીક્ષા કરી રહ્યાં છીએ. જેના કારણે યૂઝર પોતાના ટિ્વટર એકાઉન્ટથી ટિ્વટ નહીં કરી શકે અને ન તો પાસવર્ડ રિસેટ કરી શકશે.
- Nilesh Patel