આણંદ ટી.પી.૮.-બાકરોલ અને લાંભવેલ ખાતે રૂા. ૧.૬૧ કરોડના ખર્ચે તૈયાર થનાર ત્રણ સોલાર ઊર્જા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઇ-ખાતમુર્હૂત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી…
મુખ્યમંત્રી વિજય રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના નગરોની અભિનવ પહેલ ‘આત્મનિર્ભર નગરસેવા’
આણંદ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર નગર સેવાની ગુજરાતની અભિનવ પહેલરૂપે રાજ્યની ૧૬ નગરપાલિકાઓમાં ૨૮ જેટલા સ્યુએજ ટ્રીટમેંટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઇ-ખાતમુહૂર્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકાસના રોલમોડેલ ગુજરાત પાસે દુનિયાના લોકોની આધુનિક વિકસીત અને સુઆયોજિત નગર વિકાસની મોટી અપેક્ષાઓ છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે નગરોના રસ્તા, ગટર, લાઈટ, પાણીના કામમાં કોઈ કચાશ ન રહે. તેમ જ નાના મોટા શહેરો નગરો સમયાનુકૂળ તમામ સુવિધાયુક્ત બને તે માટેના આયોજનબદ્ધ પ્રયાસો આ સરકારે હાથ ધર્યા છે.
મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આણંદ નગરપાલિકા અને ગુજરાત શહેરી વિકાસ કંપની, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે આણંદ નગરપાલિકાના બાકરોલ, લાંભવેલ અને એસ.ટી.પી. એમ રૂા. ૧.૬૧ કરોડના ખર્ચે તૈયાર થનાર ત્રણ સોલાર ઊર્જા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આજે ગાંધીનગર ખાતેથી ઇ-ખાતમુર્હૂત કર્યું હતું.
શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, રાજ્યના તમામ નગરો S.T.P.-W.T.P. યુક્ત બને અને નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી, નલ સે જલ સ્વરૂપે મળે, ઉપરાંત વપરાયેલા ગંદા પાણીનો પણ રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર તરીકે ખેતીવાડી, બાગ-બગીચા, તળાવો ભરવા જેવા કામોમાં પુનઃ વપરાશ થાય તે દિશામાં નગર સત્તામંડળો આગળ વધે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારે જારી કરેલી નવી ઐતિહાસિક સોલાર પોલિસીમાં સ્વાયત અને સ્થાનિક સ્તરે સૌર ઊર્જા વીજ વપરાશને વ્યાપક પ્રોત્સાહક જોગવાઈઓ આપી છે તેની વિષદ ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની નગરપાલિકાઓને આહવાન કર્યું કે, મ્યુનિસિપાલિટીઝ પોતાની સંપત્તિ ઉપર સૌર ઉર્જા ઉત્પાદન કરે અને પોતાના વપરાશ બાદ વધેલી વીજળી વેચીને આવકના સ્ત્રોત ઊભા કરે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં નગરોમાં વિકાસ કામો, પાણી જેવી પાયાની સુવિધાના કામો, ડ્રેનેજના કામો માટે કોઈ આયોજન ન હતું. લોકોને શુદ્ધ પાણી ન મળતું અને નગરોમાં ડ્રેનેજના અભાવે મેલેરિયા સહિતનો રોગચાળો પણ ફેલાતો.
તેમણે સ્પષ્ટ કહ્યું કે હવે નગરોમાં સૌરઊર્જા ઉત્પાદનથી ગ્રીન એનર્જીને વેગ આપવા સાથે વીજ બિલ ખર્ચ ઘટાડવા અને નગરપાલિકાઓ સેલ્ફ સફિશિયન્ટ બને તેની પણ વિશેષ કાળજી કરીએ છીએ. મુખ્યમંત્રીશ્રીએ નગરોમાં સૌર આધારિત વીજળી ઉત્પાદનથી આવકના સ્ત્રોત નગરપાલિકાઓ ઊભા કરીને ગુજરાત દેશને નવો વિકાસ રાહ બતાવશે અને પ્રાથમિક સુવિધા સાથે આધુનિકતાના સમન્વયથી ગુજરાતના શહેરો સ્માર્ટ સિટીઝ બનશે તેવી અપેક્ષા દર્શાવી હતી.
આણંદના ટાઉનહોલ ખાતે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ઇ-ખાતમુર્હૂત કરાયા બાદ સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે ત્રણ સોલાર પ્લાન્ટની તકતીનું અનાવરણ કર્યું હતું. આ સમયે જિલ્લા કલેકટર
શ્રી આર. જી. ગોહિલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કાંતિભાઇ ચાવડા સહિત અગ્રણીઓ સાથે રહ્યા હતા.
સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં આણંદ નગરના થઇ રહેલા વિકાસની વાત કરતા આણંદ નગરમાં નવા નવા પ્રોજેકટ આકાર લઇ રહ્યા છે અને હજુ બીજા અનેક વિકાસના અને જનસુવિધાના કામો ચાલુ હોવાનું જણાવી આ તમામ સુખ-સુવિધાઓ અને વિકાસ માટે આણંદના જાગૃત નાગરિકોનો સહયોગ પ્રાપ્ત થયો હોવાનું કહ્યું હતું.
શ્રી પટેલે આણંદ નગરના વિકાસ અને સુવિધાયુકત બનાવવા માટે નગરપાલિકા તંત્ર તેમજ નગરસેવકોની મહેનતએ પણ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું જણાવી ત્રણ સોલાર પ્લાન્ટના પ્રોજેકટને સાકાર કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રારંભમાં આણંદ નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર શ્રી ગૌરાંગ પટેલે સ્વાગત પ્રવચન કરી સોલાર પ્લાન્ટની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ, પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર શ્રી હર્ષિત ગોસાઇ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કાંતિભાઇ ચાવડા, પૂર્વ નગરસેવકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
- Jignesh Patel, Anand